ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોના મૃત્યુ, 20 દિવસમાં બીજી વખત બની ઘટના

પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને 14 લોકોને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટસ ખસેડવામાં આવ્યા હતા. ઝેરી ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ગેસ લીકેજના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા.ઝેરી ગેસ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં પણ ફરી વળ્યો હતો, જેને પગલે સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવવા અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા હતા.
20 દિવસ પહેલા બની હતી ઘટના
માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં જ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બીજી વખત આ દુર્ઘટના બનતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 10 સપ્ટેમ્બર 2025ના રોજ પણ આ જ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં 14 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી અને સારવાર દરમિયાન બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ ગંભીર બેદરકારીના કારણે આજે ગ્રામજનોએ કંપનીના સત્તાધીશોનો ઘેરાવ કર્યો હતો અને કંપની કાયમી ધોરણે બંધ કરાવવા માટે ઉગ્ર માગ કરી હતી. જે પરિવારોએ આ અગાઉની દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેઓએ પણ કંપની ખાતે આવીને ભારે આક્રોશ ઠાલવ્યો હતો.