પંચમહાલના શહેરામાં જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, દર્શન માટે લોકો ઉમટી પડ્યા

શહેરા: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખુબ જ સામાન્ય અંતર હોય છે, ઘણીવખત શ્રદ્ધા અંધશ્રદ્ધાના સીમાડાને ઓળંગી જાય છે તે ખ્યાલ રહેતો નથી. આપણે એવા અનેક કિસ્સાઓથી અનેક કિસ્સાથી આપણે વાકેફ છીએ કે જેમાં કોઈ ઘટનાને ચમત્કાર ગણાવી દેવામાં આવી હોય, પરંતુ ઘણી વખત અંતે તે માન્યતા ખોટી ઠરતી હોય છે. આવો જ એક કિસ્સો પંચમહાલ જિલ્લાના શહેરામાં જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું હતું, જેના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

મળતી વિગતો અનુસાર હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ચારે બાજુ શિવભક્તિનો માહોલ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા નજીક એક જુદી જ ઘટના બની હતી. શિવનગરીની ઓળખ ધરાવતા શહેરાના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું હતું. મંદિર નજીકની જમીનમાં આવેલા ઝાડી-ઝાંખરાઓની વચ્ચેથી શિવલિંગ દેખાઈ આવતા જમીન માલિક અને લોકોમાં કુતુહલ અને શ્રદ્ધાના ભાવ પેદા કર્યા હતા.

આ પણ વાંચો: શિવલિંગને પાણી અને દૂધની જરૂર કેમ પડે છે?
શિવલિંગ મળી આવ્યાની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો શિવલિંગની પૂજા-અર્ચના કરવા પહોંચી ગયા હતા. જમીનમાંથી શિવલિંગ પ્રગટ થયું હોવાની વાત જોતજોતામાં જ શહેરા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. આ વાતની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો આ સ્થળે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ શિવલિંગની પૂજા કરી હતી, લોકો ભજનો ગાતા પણ જોવા મળ્યા હતા. શિવલિંગની મળી આવ્યાની ઘટનાથી સ્થળ પર આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો.