હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ, પાવાગઢમાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો | મુંબઈ સમાચાર
પંચમહાલ

હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ, પાવાગઢમાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો

પંચમહાલઃ હાલોલમાં સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો. હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ પડતાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો હતો. હાલોલમાં આભ ફાટતા શેરીઓમાં નદીઓ વહેતી થઈ હતી. વરસાદની સ્થિતિને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું.. સાવચેતીના ભાગરૂપે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલોલમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફની સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામશે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

55 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં આજે સવારે 6 થી બપોરના 2 કલાક દરમિયાન 74 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હાલોલમાં સૌથી વધુ 9.76 ઇંચ, ઉમરેઠમાં 4.72 ઇંચ, બોરસદમાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એક તાલુકમાં નવ ઇંચથી વધારે, બે તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 13 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 55 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button