બુલડોઝર એકશનઃ પંચમહાલમાં સરકારી જમીન ખુલ્લી કરાઈ: વાઘજીપુરમાં 200 દબાણો દૂર કરવામાં આવ્યા!

પંચમહાલઃ અમદાવાદના ચંડાળો તળાવથી રાજ્યમાં શરૂ થયેલી ડિમોલિશનની કામગીરી સતત ચાલુ છે. પંચમહાલના વાઘજીપુરમાં 200 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. વાઘજીપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો સામે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલ અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને માર્ગની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અગાઉ આશરે 200 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા, પરંતુ બાકીના દબાણો દૂર કરવા માટે તંત્રએ સખત કાર્યવાહી કરી હતી. દબાણકર્તાઓ દ્વારા રોડ પર કરાયેલા મકાન, દુકાન તેમજ લારી-ગલ્લા જેવા તમામ કાચા-પાકા દબાણોને JCB મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2 પીઆઈ અને 2 પીએસઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તહેનાત કરાયો હતો.
ગઈકાલે ભાવનગર શહેરમાં તંત્રએ દબાણ મુકિત અભિયાન અંતર્ગત નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પરના દબાણો પર બૂલડોઝર ફેરવ્યું હતું. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ હતી. સીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સીટી મામલતદાર અને 100થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી.



