પંચમહાલમાં રસ્તો પૂછવાના બહાને ભાજપ નેતા પર જીવલેણ હુમલો, ગોળી સહેજમાં ચૂકી!

ગોધરા: રાજ્યના પંચમહાલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામમાં ઉપસરપંચ અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ બે અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની વીગતો મળી રહી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના મંગળવારે બની હતી, બે અજાણ્યા યુવક મોટરસાઈકલ પર સવાર થઈને આવ્યા હતાં અને બન્ને યુવકની ઉંમર અંદાજે 20 થી 25 વર્ષ હોવાનો અંદાજ છે. બન્ને અજાણ્યા યુવક મિત્તલ પટેલ પાસે આવ્યા હતા. એક યુવકે મિત્તલ પટેલ પાસે આવીને રસ્તો પૂછ્યો હતો અને ફરીથી પાસે આવીને રસ્તો પૂછવાનો ઢોંગ કર્યો હતો.
જયારે અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો ત્યારે મિત્તલ પટેલ સાથે અપશબ્દ બોલીને માથા તરફ બંદુક તાણીને ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સદનસીબે ગોળી મિત્તલ પટેલની બાજુમાંથી નીકળી ગઈ હતી. આથી મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો. ફાયરિંગને અંજામ આપ્યા બાદ બંને શખ્સ મોટરસાઇકલ પર બેસીને નાસી છૂટ્યા હતા.
જીવલેણ હુમલાની આ ગંભીર ઘટના બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટના સ્થળ આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હુમલાખોરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. હુમલાની ઘટના અંગે રાજગઢ પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.