ગોધરામાં 13 કલાકનો વીજકાપઃ સ્થાનિક લોકોએ વીજ કચેરી પર કર્યો હલ્લાબોલ
મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો ખોરવાતા ગરમીથી ત્રાહિમામ થયેલા સ્થાનિકોનો ઉગ્ર રોષ

પંચમહાલઃ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં 13 કલાકના વીજકાપથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેન્ટેનન્સના નામે મુકવામાં આવેલા કાપથી લોકો અકળાયા હતા.
ભાદરવાની ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોએ વીજ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો, જ્યારે વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
આપણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 25 થી 30 એપ્રિલ વીજકાપ રહેશે
ગરમીથી લોકો થયા ત્રાહિમામ
મળતી વિગત પ્રમાણે, ગોધરા શહેરના સિવિલ લાઈન્સ, ભૂરાવાવ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં મંગળવારની રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે બુધવારે બપોર સુધી પુનઃસ્થાપિત ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. સતત 13 કલાકથી વીજળી ગુલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગરમીથી અકળાયેલા લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી. પાણીની મોટરો બંધ રહેતા ઘરોમાં પાણીનો કકળાટ પણ શરૂ થયો હતો.
આપણ વાંચો: આ ખેડૂતો મગરમચ્છને લઇને વીજકાપની ફરિયાદ કરવા કેમ પહોંચ્યા?
વીજ કચેરી પર ઉમટ્યાં લોકો
એમજીવીસીએલ તરફથી વીજ પુરવઠો ક્યારે રાબેતા મુજબ થશે તે અંગે સંતોષકારક જવાબ નહીં મળતા લોકો એકત્ર થઈને એમજીવીસીએલની કચેરીએ ધસી આવ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કર્યો હતો. પરિસ્થિતિને પારખી ગયેલા અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોએ શું કહ્યું?
સ્થાનિકોના કહેવા મુજબ, વીજ કચેરીના અધિકારીઓ દ્વારા સબ સ્ટેશનમાં કામગીરી ચાલતી હોવાનું કારણ આગળ આપવામાં આવે છે પરંતુ સબ સ્ટેશનમાં કોઈ ફોન ઉપાડતું નથી કે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી.
બસ થોડી વારમાં લાઇટ આવી જશે તેવા વાયદા કરે છે. ગ્રાહકોના ઉગ્ર રોષ અને હોબાળા બાદ એમજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક સમારકામની કામગીરી પૂર્ણ કરાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી.