પંચમહાલઃ બ્રેકઅપથી હતાશ યુવકે આપઘાત પહેલાં વીડિયો બનાવી આપવીતી જણાવી

પંચમહાલઃ જિલ્લાના હાલોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બ્રેકઅપથી હતાશ થયેલા યુવકે આપઘાત પહેલાં વીડિયો બનાવી આપવીતી જણાવી હતી. જિલ્લામાં વિવિધ વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો વાઇરલ થયો હતો. કાલોલ તાલુકાના અડાદરાના 24 વર્ષીય યુવકે હાલોલ સાવલી રોડ પર આવેલી નર્મદા નહેરમાં કૂદીને આપઘાત કર્યો હતો.. જીએફએલમાં નોકરી કરતા યુવકને હાલોલના ભીમનાથ મંદિર વિસ્તારની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવાના હતાં, પરંતુ યુવતીએ થોડા સમય પહેલાં બ્રેકઅપ કરી લીધું હતું. જેને લઇ યુવક નાસીપાસ થઇ ગયો હતો.
યુવક શું કહે છે વાઇરલ વીડિયોમાં
યુવક રડતાં રડતાં કહી રહ્યો છે કે હું ક્યાંયનો ના રહ્યો, આ પ્રીતિએ મારી જિંદગી બગાડી. તેના માટે મેં બધું કર્યું, તેના એક કોલ પર હું હાજર થઇ જતો, પણ તેણે અને તેના પિતાએ મને ખોટી રીતે જેલભેગો કર્યો. પ્રીતિ અને પ્રીતિના પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે હું પ્રીતિ સાથે મેરેજ કરું. એ લોકોના કહેવાથી મેં મારું ઘરબાર છોડ્યું. એ લોકો કહેતા હતા કે તારે હાલોલ રહેવું પડશે. એ છોકરી હાલોલ રહેતી હતી, જેથી મેં મારું ઘરબાર છોડ્યું ને હું હાલોલ રહેવા માટે આવ્યો હતો, પણ એ લોકો એન્ડ સમયે ફરી ગયા છે. હવે મેરેજ કરવાની ના પાડે છે. હું ઘરબાર વગરનો થઈ ગયો. હવે મારે જવું તો ક્યાં જવું એ ખબર પડતી નથી. એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી. હું તેમના ઘરે કહેવા ગયો તો એ લોકોએ અરજી આપી અને છોકરો આવું કરે છે, એવું કરે છે કહીં મને અંદર કરાવી દીધો, મારી જિંદગી બરબાદ કરી દીધી. હું ઘરબાર છોડી તેમના માટે આવ્યો હતો.
આ પણ વાંચો: ચિંતાજનક સ્થિતિ: અમદાવાદમાં દોઢ મહિનામાં 100થી વધુ લોકોએ ટૂંકાવ્યું જીવન
ગુજરાતમાં આપઘાતના બનાવો ચિંતા વધારનારા છે. હાલ પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં જ 100 જેટલી વ્યક્તિઓએ આત્મહત્યા કરીને પોતાના જીવન ટૂંકાવી લીધાં છે. જેમાં 13 પુરુષો, 35 મહિલાઓ, 1 સગીર હતા, એટલે કહી શકાય કે શહેરમાં દરરોજ બેથી વધુ વ્યક્તિ કોઈપણ કારણના લીધે આપપાત કરે છે. જે ગંભીર સ્થિતિ સૂચવે છે
આજનો સમય જેટલી ઝડપે આગળ વધી રહ્યો છે તેટલી જ ઝડપે સમાજની સામે અનેક સમસ્યાઓ ખડી કરી રહ્યો છે. જીવનના સંઘર્ષની સામે લડત આપવાને બદલે ખૂબ જ સામાન્ય ગણી શકાય તેવા કારણો સામે હાર માની લઈને અંતિમ પગલાં તરીકે આત્મહત્યાનો સ્વીકાર કરી લેવામાં આવે છે. આત્મહત્યાના વધતાં જતાં પ્રમાણે સમાજની સામે ચિંતા ઊભી કરી છે. તાજેતરમાં જ દેશમાં અનેક આપઘાતના બનાવોએ ભારે ચર્ચા જગાવી હતી, તે પૈકી અતુલ સુભાષ અને પુનિત ખુરાના આપઘાત કેસે ખૂબ ચર્ચા જગાવી હતી.