ટોપ ન્યૂઝપંચમહાલ

ભારે વરસાદ લઈને યાત્રાધામ પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ

ગોધરા: ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા પાવાગઢને લઈને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ પર પગથિયાં ચડવા ઘણા જ કઠિન છે અને વરસાદ દરમિયાન આ પગથિયાંઓ પરથી ધોધમાર પાણી વહી રહ્યું છે. આથી આ દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા દર્શન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

આ સાથે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ પર પહોંચી છે. નદીની સપાટી વધતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. વડોદરા અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદના પગલે મુંબઈ – દિલ્હી રેલવે સેવાને ભારે અસર થઈ છે. જેના પગલે વડોદરામાં 11 ટ્રેન લેટ થઈ છે અને બે ટ્રેન રદ થઈ છે.

આજે વહેલી સવારથી મેધરાજાએ મધ્ય ગુજરાતમાં મહેર વરસાવી છે. જેમાં આજે વહેલી સવારથી જ વડોદરા, ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં ચાર કલાકમાં 14 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે અને જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તેમજ ભારે વરસાદના પગલે આણંદમાં પાણી ભરાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button