પંચમહાલ

ખુશીનો દિવસ માતમમાં ફેરવાયો: ગોધરામાં ભયંકર આગે પરિવાર ભરખી લીધો, 4નાં કરૂણ મોત

પંચમહાલઃ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-2 વિસ્તારમાં આજે સવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે ચાર પરિવારનોના મૃત્યુ થયા હતા. જેમની ઓળખ કમલભાઈ દોશી (ઉ.વ.50), દેવલબેન દોશી (ઉ.વ.45), રાજ દોશી(ઉ.વ.22) અને દેવ દોશી (ઉ.વ.24) તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોશીની સગાઈ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ આખા પરિવારે અગ્નિકાંડમાં જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી.

કેવી રીતે બની ઘટના

મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો હતો. જેનાતી ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરૂણ મોત નિપજ્યાં હતા.

આગની ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી, જ્યારે પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખેસડ્યા છે. જોકે, હજુ સુધી મકાનમાં આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

આપણ વાંચો:  ગુજરાતનો હિસાબ, દુનિયાનો કરઃ અમદાવાદ બન્યું ગ્લોબલ ટેક્સ હબ!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button