નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટર્સનું રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ

બાલાસિનોર: મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા વિસ્તારોને 32 સિટી સિવિક સેન્ટર્સનું રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમય ગાળો રહે અને નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે “વન સ્ટોપ શોપ” તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2022-23માં સિટી સિવિક સેન્ટર્સનો વિચાર અમલી કરવામાં આવેલો. પ્રથમ તબક્કે 22 નગરપાલિકાઓમાં આવા સિટી સિવિક સેન્ટર કાર્યરત થયેલા છે. 2023-24ના વર્ષમાં બીજા તબક્કામાં વધુ 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે. સમગ્રતયા 93.76 કરોડના અંદાજીત ખર્ચે ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા આ સેન્ટર્સ કાર્યરત થવાના છે. આ સિટી સિવિક સેન્ટર્સ રૂ. 44.05 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ મનપાને વરસાદી પાણી સંગ્રહના કામો માટે 144.32 કરોડની ફાળવણી
મુખ્યમંત્રીએ સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી તથા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ, પ્રમાણપત્રોનું વિતરણ પણ તેમણે કર્યું હતું. સિટી સિવિક સેન્ટર્સમાં મિલ્કત વેરા, હોલ બૂકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા, ગુમાસ્તાધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે.
32 નગરપાલિકામાં કરવામાં આવી સ્થાપના:
આ 32 સિટી સિવિક સેન્ટર્સના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર ઉપરાંત પાટડી, કપડવંજ, બોટાદ, ઠાસરા, જેતપુર, ગોંડલ, સિક્કા, ઓખા, પાટણ, સિદ્ધપુર, ઊંજા, ધાનેરા, માણસા, શહેરા, હાલોલ, આણંદ, પેટલાદ, સંતરામપૂર, ઝાલોદ, ધરમપૂર, જંબુસર, બારડોલી, બિલિમોરા, સોનગઢ, મહુવા, કોડીનાર, વિસાવદર, બાબરા, પાલિતાણા અને માંગરોળ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.