મહિસાગરની લુણાવાડા નગરપાલિકામાં નવા જૂનીના એંધાણઃ ભાજપના સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો

મહિસાગર: લુણાવાડા નગરપાલિકામાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. સ્વિમિંગ પુલના ₹40.69 લાખના ચુકવણા મામલે ભાજપના જ 11 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.આ આંતરિક વિખવાદમાં ભાજપના સભ્યોને વિરોધ પક્ષના નેતાએ પણ સાથ આપવાની જાહેરાત કરતાં લુણાવાડા પાલિકામાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો. આ મામલે ભાજપ મોવડી મંડળના નિર્ણય પર સૌની નજર ટકેલી છે. આગામી સમયમાં પાલિકામાં નવાજૂની થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.
ભાજપના જ કેટલાક કોર્પોરેટરો દ્વારા નગર પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ આક્ષેપોને લઈ નગર પાલિકાના પ્રમુખે કહ્યું કે આ બધા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને માત્ર રાજકીય લાભ મેળવવા માટે તથા પ્રમુખ પદ મેળવવાની ઉતાવળમાં કેટલાક કોર્પોરેટરો દ્વારા ખોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. પાલિકાના કાર્યો સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવી રહ્યા છે. પાલિકાના કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો નથી. છતાં પણ, પારદર્શિતા જળવાય તે માટે તેમણે જાતે જ કરવામાં આવેલા તમામ વિકાસ કાર્યોની વિજિલન્સ તપાસ કરવાની માંગ સાથે તકેદારી આયોગને લેખિતમાં રજૂઆત કરી છે.
આ પણ વાંચો : ભાજપે વિવિધ નગરપાલિકામાં હોદ્દેદારોની કરી વરણી, જુઓ લિસ્ટ
તેમણે વધુમાં ઉમેર્યું કે નગર પાલિકાને ખોટી રીતે બદનામ કરવા માટે કેટલીક તાકતો દ્વારા જુદી જુદી અફવાઓ અને આક્ષેપો ફેલાવવામાં આવી રહ્યા છે. વિકાસના કાર્યો અટકાવી શહેરના હિતને નુકસાન પહોંચાડવા પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક મહત્વાકાંક્ષી કોર્પોરેટરો પાલિકાના પ્રમુખ બનવાના સપના જોતા રાજકીય હેરાનગતિ અને આંતરિક મતભેદો ઊભા કરી રહ્યા છે. પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ અને પ્રભારીને લેખિત રજૂઆત કરીને સંપૂર્ણ વિગત આપી હતી.
રજૂઆતમાં જણાવાયું છે કે તમામ કામોની ચુકવણી નિયમ અનુસાર કરવામાં આવી છે, દરેક ફાઈલ અને દસ્તાવેજ તપાસ માટે ઉપલબ્ધ છે. છતાં પણ ખોટી રીતે પ્રમુખ અને નગર પાલિકાને બદનામ કરવાનો પ્રયાસ રાજકીય સ્વાર્થથી પ્રેરિત છે. કેટલાક તત્વો શહેરના વિકાસ કાર્યોમાં રોડા નાખી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરી રહ્યા છે.



