મહિસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાંચ કર્મચારીઓ ડૂબ્યાં

મહીસાગરઃ કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેના કારણે કૂવામાં કામ કરતાં પાંચ મજૂરો ડૂબી ગયા હતા. મજૂરો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કૂવામાં મશીનરી રિપેર કરવા ગયા હતા. આ સમયે કડાણા ડેમમાંથી છોડવામાં આવતાં પાણીનું લેવલ વધી ગયું હતું. પાણીનું લેવલ વધતાં 15 જેટલા મજૂરો બહાર દોડી આવ્યા હતા, જ્યારે 5 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ લુણાવાડાના ડીડીઓ, મામલતદાર અને ટાઉન પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમ, પોલીસ, એનડીઆરએફ દ્વારા હાઇડ્રો પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા…
એસપીએ શું કહ્યું
બનાવ અંગે મહીસાગરના એસી સફીન હસને જણાવ્યું કે હાઇડ્રો પાવર પ્લાન્ટની અંદર કોઈ અગમ્ય કારણસર જે મેન્ટેનન્સની કામગીરી ચાલતી હતી અને એ મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કેટલાક મજૂર સંપની અંદરની હતા. આ ખૂબ ઊંડી જગ્યા છે અને ત્યાંથી અચાનક પાણી અંદર આવી જતા કેટલાક લોકો ડૂબી જવાની આશંકા છે. અધિકૃત રીતે આંકડો કહેવો અત્યારે મુશ્કેલ છે. જે લોકો બચી ગયા છે એ તમામને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ડૂબેલા વ્યક્તિઓના સાથી મિત્રએ શું કહ્યું
પાણીમાં ડૂબેલા કર્મચારીઓની સાથી મિત્રએ જણાવ્યું કે, પાણી છોડવામાં આવશે એવું અમને કહેવામાં આવ્યું હતું, પણ આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે એવું ન હતું કહ્યું. અમને પાણીના લેવલની જાણ કરવામાં આવી નહોતી, નહીંતર બધા બહાર આવી જાત.
આ પણ વાંચો: ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવક વધી, નર્મદા ડેમ 62.46 ટકા ભરાયો
106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણામાંથી આજે સાંજે 6 વાગ્યે 3 લાખ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.