
મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાં ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતાં પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા. જેમાંથી ચારના મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના 40 કલાક બાદ આ મૃતદેહો મળી આવ્યા હતા. આ દુર્ઘટનાને લઈ આજે રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડિંડોરે સ્થળમુલાકાત લીધી હતી.જ્યારે હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
ડૉ. કુબેર ડિંડોરે ઘટનાસ્થળની મુલાકાત લઈ તંત્ર સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે મૃતક પરિવારને સાંત્વના આપી અને કામગીરી હજુ ઝડપી થાય તેવી સૂચના આપી હતી. અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આર્થિક સહાય જાહેર કરી હતી. જે અંતર્ગત મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
જે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમના નામ નરેન્દ્રકુમાર સોલંકી – ગોધરા, શૈલેષકુમાર – દોલતપુરા,
શૈલેષભાઈ માછી – દોલતપુરા અને અરવિંદભાઈ ડામોર – આકલિયા હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહ જોતાં જ પરિવારજનો ભાંગી પડ્યા હતા.
જિલ્લા કલેકટરે શું કહ્યું
મહીસાગર જિલ્લાના એસપી સફિન હસને જણાવ્યું કે, મૃતદેહ પરિવારને સોંપતા પહેલા પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. ગુરુવારે બપોરે તેઓ જ્યાં કામ કરી રહ્યા હતા તે વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ આવ્યો હતો. જેના કારણે 15 કામદારોમાંથી કેટલાક રેલિંગની મદદથી બહાર નીકળવમાં સફળ રહ્યા હતા. મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું કે બચાવ કામગીરી બાદ, જો કોઈ બેદરકારી જણાશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.બચાવ કામગીરી માટે ગાંધીનગર એનડીઆરએફની 30 કર્મચારીઓની એક બટાલિયન, 45 એસડીઆરએફ જવાનો અને આઠ ફાયર ઓફિસર સ્થળ પર હાજર છે.
શું હતી સમગ્ર ઘટના?
મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા.
આ પણ વાંચો…મહિસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાંચ કર્મચારીઓ ડૂબ્યાં