ખેડા

ખેડા પોલીસે બાળકોની આંખો પરથી બે વર્ષ જૂની હત્યાનો ઉકેલ્યો ભેદ, જાણો વિગત…

Gujarat Crime News: ખેડા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાથી બે વર્ષ જૂના હત્યા મામલાનો પર્દાફાશ થયો હતો. પોલીસ આરોપી પતિની અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપીએ બીજા લગ્ન કરવા માટે પત્નીનું કાસળ કાઢ્યું હતું.

Also read : ખ્યાતિ કાંડઃ આઠ આરોપી સામેની ટ્રાયલનો માર્ગ થયો મોકળો, કાર્તિક પટેલ ચાર્જશીટ કરવામાં લાગશે વાર…

શું છે સમગ્ર મામલો

નડિયાદ જિલ્લાના બીલોદરા ગામ પાસેના એક્સપ્રેસ હાઈવે નજીક ઝાડી ઝાંખરામાંથી સવા બે વર્ષ પહેલા મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની બાજુમાં એક 3 વર્ષની દીકરી રડતી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણ વર્ષની મળી આવેલી દીકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. જ્યાં સંસ્થા તેણીનો ઉછેર કરતી હતી. જે તે સમયે પોલીસની તપાસમાં આ મૃતક મહિલાનું નામ બાળકી પૂજા બતાવતી હતી અને તેની માતા થતી હોવાનું દીકરી રટણ કરતી હતી. આ દીકરી એકજ રટણ કરતી હતી કે પાપાને મમ્મી કો કીચડ ડાલા.

દીકરીની જે બોલી હતી તે ઉત્તરપ્રદેશની બોલી સાથે મેચ થતી હોવાથી પોલીસે ઉત્તરપ્રદેશના મતદારોની ચકાસણી કરી હતી. પરંતુ આમ છતાં પણ પોલીસને કોઈ સફળતા મળી નહોતી. આ ઉપરાંત પોલીસે નડિયાદ, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર 200 અને જાહેર જગ્યા ઉપર બાળકીના ફોટોગ્રાફ સાથેના આશરે 2500 જેટલા પોસ્ટરો પણ લગાવ્યા હતા. આમ છતાં પણ આ કેસની કોઈ મળતી નહોતી.

5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું

એક સપ્તાહ અગાઉ પડોશી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે એક 5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકના મળ્યાના સમાચાર નડિયાદ LCB પોલીસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને ધ્યાને આવ્યા હતા. જેમાં બંને પગે ઈજા હોય અને સવા બે વર્ષ પહેલાં પણ બાળકીને આ રીતે ઈજા પહોંચાડેલી જેવી સામ્યતા વાળી કડીઓ પોલીસને ધ્યાને આવી હતી. આ ઉપરાંત બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને વધુ શંકા ગઈ હતી.

બાદમાં પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દીકરા અને સવા બે વર્ષ અગાઉ મળી આવેલ દીકરીની આંખો ચેક કરતા સમાન આવતી હતી. આથી પોલીસે આ બંને બાળકોને વીડિયો કોલ મારફતે ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈને ઓળખી બતાવ્યો હતો. દીકરી જ્યાં આશ્રય લઈ રહેલી હતી ત્યાં માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લાવવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે વિવિધ હ્યૂમન ઇન્ટેલિજન્સ સોર્સથી આ બંને બાળકોના પિતા ઉદય વર્મા અમદાવાદમાં રહેતો હોવાની જાણ પોલીસને થઈ હતી.

જેથી પોલીસે ઉદયને અમદાવાદની સોનીની ચાલીથી ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આ ઉદય ભાંગી પડ્યો અને મરણ જનાર મહિલાની હત્યા તેણે જાતે કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત દીકરીને પણ તે સમયે ઉપરથી નીચે પટકાવી હતી. જોકે આ સમયે દીકરો નાનો હતો એટલે તે હત્યાને અંજામ આપી ત્યાંથી દીકરાને લઈને ભાગી ગયો હતો. પરંતુ દીકરીને સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.

પત્નીની હત્યા કર્યા બાદ તે ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો અને બાદમાં અમદાવાદ આવીને મજૂરી કરવા લાગ્યો હતો અને બીજા લગ્ન કર્યા હતા. જે બાદ પુત્રને પણ મારવાની કોશિશ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Also read : સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન

ભેદ ઉકેલનારા પોલીસકર્મીનું સન્માન

હત્યાનો ભેદ ઉકેલવા બદલ કલેકટર કચેરી ખાતે પોલીસકર્મી પ્રદીપસિંહનું જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અધિક નિવાસી કલેકટર જે.બી.દેસાઈ દ્વારા પણ પોલીસકર્મી પ્રદીપસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button