કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત, બેના મોત, આઠ ઇજાગ્રસ્ત…

ખેડાઃ કપડવંજ-મોડાસા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનામોત થયા હતા. જ્યારે આઠ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત પ્રમાણે, કપડવંજ-મોડાસા હાઇવે પર પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યારે એસટી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનના મળી કુલ આઠ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કંડકટર અને પેસેન્જરનું મોત થયું હતું, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગના કુરચા ઉડી ગયા હતા.
પોલીસે શું કહ્યું
અકસ્માતના પગલે ત્રણ કિમી લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે કહ્યું કે, આ અકસ્માતમાં બે લોકોના મોત છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. જેઓને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.