કપડવંજમાં કરૂણ ઘટના: BLOની કામગીરી કરતા આચાર્યનું હાર્ટ એટેકથી મોત

કપડવંજઃ હાલ રાજ્યમાં મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે.
કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. મૃતકના પરિવારજનોએ બીએલઓની કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મૃત્યું થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
મૃતકના પરિવારજનો મુજબ, રમેશભાઈ પરમાર 18મી નવેમ્બરની મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવ્યા હતા. કામના ભારણ અને થાકને કારણે તે જમ્યા પણ નહોતા અને રાત્રે સૂઈ ગયા હતા, પરંતુ સવારે તેઓ ઉઠ્યા જ નહીં. પરિવારજનો તેમને તુરંત જ બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.
છેલ્લા પખવાડિયાથી BLOની ફરજને કારણે રમેશભાઈ પરમાર સતત સ્ટ્રેસમાં હતા અને તેમને ઉજાગરા કરવા પડતા હતા. જાંબુડીથી તેમની ફરજનું સ્થળ નવાપુરા પ્રાથમિક શાળા રોજ 48 કિ.મી. દૂર છે. તેઓ રોજ બાઇક પર આવવા-જવા માટે 94 કિ.મી.થી વધુની મુસાફરી કરતા હતા. સતત કામના સ્ટ્રેસ, ઉજાગરા અને ભારે મુસાફરીના ભારણને કારણે જ તેમનું નિધન થયું હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું.
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી અધિકારીને બીએલઓની કામગીરી દરમિયાન પડતી હાલાકી અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષક સંઘે આવદેનમાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકો પર ખોટું દબાણ નહીં કરવું, શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવો, ફોર્મ સબમિશન માટે વધુ ઓપરેટરની નિમણૂક કરવી, મોટા બુથો પર કામ કરવા માટે વધુ સમય લાગતો હોવાથી તાલુકા કક્ષાએ જરૃરી સૂચનો આપવા તેમજ રાત્રી સમયે બીએલઓ શિક્ષકને કામગીરી બાબતે નહીં બોલાવવા સહિતની બાબતો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



