ખેડા જીલ્લાના પરિએજ તળાવમાં 60 હજારથી વધુ પ્રવાસી પક્ષીનું આગમન…
ખેડાઃ માતર તાલુકાનું પરિએજ તળાવ તેની કુદરતી સુંદરતાના કારણે પ્રવાસી પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિ સહિતના 60 હજારથી વધુ પક્ષી મહેમાન બન્યા છે. સૌથી વધુ અહીં ગાજહંસ પક્ષી જોવા મળે છે. જેની સંખ્યા 2500 થી પણ વધુ છે. પરિએજ તળાવ દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી વિદેશી પ્રજાતિના પક્ષીઓ પરિએજના મહેમાન બને છે.ત્યારે આ વર્ષે પ્રવાસી પક્ષીઓ માટે હાલ પરિસ્થિતિ વિષમ બની છે.
જોડીમાં જ જોવા મળતાં ફ્લેમીંગો એટલે કે સારસ પક્ષીઓના આગમન સાથે જ પર્યટકો પણ પરિએજની વાટ પકડે છે. હાલમાં ફ્લેમીંગોની કેટલીક જોડી આવી ગઇ છે અને આગામી દિવસોમાં વધુ ફ્લેમીંગો આવશે. માર્ચ મહિના સુધી પ્રવાસી પક્ષીઓ પરિએજમાં રહેશે. વિદેશી પક્ષીઓ માટે પરિએજ તળાવ સૌથી વધુ અનુકુળ છે.આ ઉપરાંત ભાગ્યેજ જોવા મળતાં વોટર રેઇલ, ગ્રાસ હોપર વોબલર પક્ષીઓ કે જેઓ શરમાળ પ્રકૃતિના હોવાથી સંતાઇને રહે છે તે પણ જોવા મળે છે.
આ પણ વાંચો : આ કારણે જખૌ બંદર પર શ્વાન અને ગલુડિયા એસટી બસની આતુરતાથી જુએ છે રાહ
પરિએજ વિશાળકાય તળાવ હોવાની સાથે સાથે છીછરું હોવાથી પક્ષીઓને જરૂરી ખોરાક આસાનીથી મળી રહેતો હોય છે. તેમજ તળાવની ફરતે પણ દૂર સુધી માનવ ચહલપહલ ઓછી રહેતી હોવાને કારણે દર વર્ષે 50થી વધુ વિદેશી પ્રજાતિના 60 હજારથી વધુ વિદેશી પક્ષીઓ આવે છે.
પ્રવાસી પક્ષીઓ માટે હાલ પરિસ્થિતિ વિષમ બની છે. તાજેતરમાં તળાવના પાળની કામગીરી માટે તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. ફ્લેમીંગો સહિતના પક્ષીઓનો મુખ્ય ખોરાક લીલ અને શેવાળ છે. તાજેતરમાં જ તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ તેમાં નવા નીર ભરવામાં આવ્યા છે. એક ઋતુચક્ર પૂર્ણ થયા બાદ તેમાં લીલ અને શેવાળ થાય છે. જેથી ચાલુ વર્ષે હજી લીલ અને શેવાળ તળાવમાં ન હોવાથી વિદેશી પક્ષીઓ માટે સ્થિતી વિષમ બની છે.