ખેડામાં ધો. 6માં ભણતી વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી, વાલીઓમાં ચિંતા

ખેડાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધો.6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એક સાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદ થઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ખેડામાં માતર રોડ પર આવેલી જ્ઞાનશક્તિ સ્કૂલમાં ગુરુવારે સવારે ધોરણ 6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી ગઈ હતી. તમામને એક જેવી જ સમસ્યા હતી. ઘટના બાદ શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ખસેડી હતી.
ફૂડ પોઇઝનિંગ હોવાનું પ્રાથમિક અનુમાન
ઘટના અંગે વિદ્યાર્થિનીઓના વાલીઓને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ પણ હૉસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઘટના કેવી રીતે બની અને તમામ વિદ્યાર્થિનીઓ એક સાથે કેવી રીતે બીમાર પડી તે વિશે હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝનિંગના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની આવક પણ થઈ