શોકિંગઃ ખેડાના કપડવંજમાં પુત્રની ઘેલછાએ બાપે દીકરીને નહેરમાં ફેંકી દીધી…

ખેડાઃ ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક પિતાએ પુત્રની ઘેલછામાં તેમની સાત વર્ષની હતો. કેનાલમાં ફેંકી દેવાથી દીકરીની હત્યાનો કિસ્સો નોંધવામાં આવ્યો હતો. પત્નીએ પોતાની સામે સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દેવાના કિસ્સાની તેના ભાઈને સમગ્ર માહિતી આપી હતી. પત્નીએ કહ્યું હતું કે તે મારી દીકરીને માછલી બતાવવાના બહાને નર્મદા નહેર પાસે લઈ ગયો હતો અને ત્યાં જ આરોપી પિતાએ માસૂમને ધક્કો માર્યો હતો અને ઉપરાંત પત્ની પણ જો આ વાત કોઈને કહેશે તો છૂટાછેડા આપી દઈશ તેવી ધમકી આપી હતી.
આ કેસ અંગે ભાઈએ નોંધાવેલી ફરિયાદ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કેસ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિજય સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમના ઘરે બે પુત્રીનો જન્મ થયો હતો. આરોપી વિજય પુત્રનો જન્મ નહીં થવાના કારણે સતત ટેન્શનમાં રહેતો હતો. આ કારણે તે તેની પુત્રીને માછલી બતાવવાના બહાને નહેર કાંઠે લઈ ગયો હતો અને ધક્કો મારી દીધો હતો.
આ સમગ્ર ઘટના તેની પત્નીની નજર સમક્ષ બની હતી. જ્યારે પત્નીએ તેને રોકવાની કોશિશ કરી ત્યારે તેણે વાતને નજર અંદાજ કરી હતી. ઉપરાંત પત્નીને છૂટાછેડા આપવાની ધમકી પણ આપી. ડરના કારણે તે થોડો સમય ચૂપ રહી હતી પરંતુ બાદમાં તેણે ભાઈને આપવીતિ જણાવી હતી. જે બાદ બાળકીના મામાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૃતક દીકરીની માતા અંજનાબેને આક્રંદ સાથે જણાવ્યું કે મારો પતિ મને ખબર ન પડે તે રીતે ભૂમિકાને કેનાલની પાળી ઉપર ઊભી રાખી હતી અને માછલી બતાવું છું તેમ કહી ઉચકીને સીધી જ કેનાલમાં ધક્કો મારી દીધો. હું કંઈ સમજું એ પહેલા ભૂમિ કેનાલમાં પડી ગઈ અને હું જોતી રહી ગઈ. આ કૃત્ય બાદ વિજયે જબરદસ્તી અંજનાબેનને બાઈક પર બેસાડી પોતાના ઘર લઈ ગયો હતો. ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તેમ જ આરોપીને કડક સજા આપવાની માંગ કરવામાં આવી હતી.