
નડિયાદઃ વડોદરા-અમદાવાદ હાઇવે પર મંગળવારે નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર રેલિંગ તોડીને ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ટેન્કરમાં ભરેલા કેમિકલના પગલે બ્લાસ્ટ થયો હતો. કેમિકલ લીક થતાં ધુમાડાના ગોટેગાટા ઉડ્યા હતા. જેને 2 કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
Also read : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને કોર્ટે આપી મોટી રાહત…
આ ત્રણ ગામને કરાયા એલર્ટ
ઘટનાના પગલે મરીડા, સલુણ અન ચકલાસીના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે નડિયાદ એક્સપ્રેસ વે બંધ કરવામાં આવ્યો હતો. 15થી 20 કિલોમીટર વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી થઈ હતી.
કલેકટરના કહેવા પ્રમાણે, કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં ખૂબ ધૂમાડો ફેલાયો હતો. સતર્કતાના ભાગરૂપે નજીકના ત્રણ ગામોના આશરે 350 લોકોને સલામત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈ મુખ્ય પ્રધાને પણ માહિતી મેળવી હતી.
Also read : ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર; રસ્તાઓ પર જય રણછોડનાં નાદ
પરિસ્થિતિ કાબુમાં આવ્યા બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવશે. ટેન્કર પલટતા કેમિકલને પગલે આસપાસના ગામડાઓના લોકોને અસર થઇ હતી. એક ગર્ભવતી સહિત 4 મહિલાઓની તબિયત લથડી હતી.