એસીબી ગુજરાતે લાંચ કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો

ખેડાઃ ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારી સામે રૂ. 90,000 ની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ લાંચનો કેસ નોંધ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
એસીબીના જણાવ્યા મુજબ, ફરિયાદી 17 એપ્રિલ, 2021 ના રોજ મોડાસાથી મુંબઈ પોતાના ટ્રકમાં ઘઉંની થેલીઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખેડા જિલ્લાના રાલિયા પોલીસ ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા. ફરિયાદી ટ્રક અને માલ સંબંધિત દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા, તેથી આરોપીઓએ વાહન કબજે કર્યું હતું અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. કેસ ટાળવા માટે તેમણે શરૂઆતમાં રૂ. 5 લાખની માંગણી કરી હતી, જે બાદમાં રૂ.1 લાખ કરવામાં આવી હતી. છેલ્લે કથિત રીતે રૂ.80,000 એક આંગડિયા કંપની દ્વારા અને રૂ. 10,000 ફોનપે દ્વારા લેવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 90,000 લાંચપેટે લેવાયા હતા.
આરોપીઓમાં રણજીતસિંહ શિવાજી ઝાલા, જે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ, રાજેશભાઈ ભીખાભાઈ બારિયા, જે તત્કાલીન સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી, જે જીઆરડી (અવર્ગીકૃત) કર્મચારી હતા, તે બધા ઘટના સમયે કપડવંજ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેનો સમાવેશ થાય છે. લાંચની કથિત માંગણી અને સ્વીકૃતિ 17 એપ્રિલ, 2021 ના રોજ થઈ હતી, જ્યારે એફઆઈઆર બુધવારે નોંધાઈ હતી.
ફરિયાદીએ પોતાના મોબાઇલ ફોન પર વાતચીત અને વ્યવહાર રેકોર્ડ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એસીબીની પ્રાથમિક તપાસ દરમિયાન જે કંઈ પુરાવા છે, તે ગુનો થયો હોવાનું સાબિત કરે છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓએ સાથે મળી કામ કર્યું હતું, તેમની સત્તાનો દુરુપયોગ કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.



