
દાહોદઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. દાહોદની બે બ્રાંચમાં નકલી દસ્તાવેજોથી લોનનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
જેમાં જે લોકો લોનને લાયક નહોતા તેમને લોન આપવામાં આવી હતી. બેંકના ઓડિટ રિપોર્ટમાં આનો ખુલાસો થયો હતો, ત્યાર બાદ વર્તમાન બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પૂર્વ બેંક મેનેજર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડ પર બ્રેક: હવે દરેક ઓપન પ્લોટ દસ્તાવેજની થશે 100% ચકાસણી
નીતિ નિયમોનો ભંગ કરીને 5.50 કરોડની લોન આપી
દાહોદ પોલીસના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે અલગ અલગ બ્રાંચના એજન્ટે પૂર્વ બેંક મેનેજર સાથે મળીને નકલી સેલરી સ્લીપ અને નકલી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને 5.50 કરોડ રૂપિયાની લોન આપીને છેતરપિંડી આચરી હતી.
પૂર્વ મેનેજર, એજન્ટ સહિત 18 લોકોની કરી ધરપકડ
રેલવે કર્મચારીનો પગાર ઓછો હતો તેમની સેલરી સ્લીપમાં છેડછાડ કરીને આંકડો વધારીને લોન આપવામાં આવી હતી. એટલું જ નહીં, કેટલાક લોકો પાસે તો નોકરી પણ નહોતી, તેમને સરકારી ડ્રાઈવર, ટીચરના નકલી પુરાવા અને સેલરી સ્લીપ બનાવીને લોન આપવામાં આવી હતી.
આ મામલે બેંક મેનેજર તરફથી ફરિયાદ નોંધાતાં પોલીસે બેન્ક મેનેજર્સ અને એજન્ટ્સ સહિત 30 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. બંને બ્રાંચના પૂર્વ મેનેજર, બે એજન્ટ અને લોનધારકો સહિત કૂલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: આંધ્ર દારૂ કૌભાંડ: જગન પર ₹ 3,500 કરોડની લાંચનો આરોપ, 305 પાનાની ચાર્જશીટ દાખલ…
કમિશન પર ઊંચો પગાર દર્શાવી 4.75 કરોડની લોન લીધી
આ કૌભાંડ 2021-2024 દરમિયાન એસબીઆઈના ચીફ બ્રાન્ચ મેનેજર ગુરમીત સિંહ બેદીએ સંજય ડામોર અને ફઈમ શેખ સાથે મળીને આચર્યું હતું. તેમણે પોતાના પદનો દુરૂપયોગ કરી બેન્કના નિયમોનો ભંગ કર્યો હતો. રેલવેમાં ક્લાસ-4માં કાર્યરત રેલવે કર્મચારીઓનો પગાર ઓછો હોવા છતાં કમિશન પર ઊંચો પગાર દર્શાવી રૂ. 4.75 કરોડની લોન લીધી હતી.
જીએલકે ટાવરમાં સંચાલિત એસબીઆઈની બીજી શાખાના મેનેજર મનિષ ગવલેએ બે એજન્ટ સાથે મળી આશરે 10 લોકોના નકલી ડોક્યુમેન્ટ્સ, સેલેરી સ્લિપ બનાવી રૂ. 82.72 લાખની લોન મંજૂર કરી હતી.
નકલી ડોક્યુમેન્ટ્સમાં લોનધારકને ગુજરાત પરિવહન નિગમના કર્મચારી અને સરકારી શિક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આ લોન કૌભાંડમાં બેન્ક મેનેજર અને બે એજન્ટે નિયમોની અવગણના કરી લોન આપી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.