દાહોદ

દાહોદમાં NTPC ના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં ભીષણ આગ; રૂ.400 કરોડનું નુકશાન…

દાહોદ: ભાટીવાડામાં વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ માટેનું મટીરીયલ રાખવાના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ (Fire in Solar plant Godown in Dahod) હતી. આ ગોડાઉનમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC)ના નિર્માણાધીન 70 મેગાવોટના સોલાર પ્લાન્ટ માટેનું મટીરીયલ રાખવામાં આવ્યું હતું. ગત રાત્રે લાગેલી ભીષણ આગ ઓલવવા માટેની કામગીરી રાતભર ચાલુ રહી હતી.

રૂ.400 કરોડનું નુકશાન:
અહેવાલ મુજબ સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં આગ લાગી હતી અને પવનને કારણે આગ ખુબ ઝડપથી ફેલાઈ હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલા 400 કરોડ રૂપિયાથી વધુનું મટીરીયલ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ લાગી ત્યારે સ્થળ પર લગભગ સાતથી આઠ કર્મચારીઓ અને ચાર સિક્યોરિટી ગાર્ડ હાજર હતાં, તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આજે મંગળવાર સવાર સુધીમાં આગ લગભગ કાબુમાં આવી ગઈ હતી.

અહેવાલ મુજબ આ ગોડાઉનમાં સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે જેવું મટીરીયલ રાખવામાં આવ્યું હતું. આગની માહિતી મળતા જ NTPC ના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી.

આગ ઓલવવાની કામગીરી આખી રાત ચાલી:
ફાયર બ્રિગેડના એક ઓફિસરે જણાવ્યું હતું કે દાહોદ, પડોશી ગોધરા, ઝાલોદ અને છોટા ઉદેપુરની ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવાની કામગીરી માટે પહોંચી ગઈ હતી. પરંતુ જોરદાર પવનને કારણે આગ ઓલવવા મુશ્કેલીઓ પડી હતી. આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

આગ પાછળ કાવતરાની શંકા:
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાવવામાં આવી હોઈ શકે છે. નજીકના ગામના કેટલાક લોકો સોલાર પ્લાન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને પ્લાન્ટના નિર્માણમાં વારંવાર અવરોધો ઉભા કરી રહ્યા હતા. સોમવારે દિવસ દરમિયાન પ્લાન્ટ પર પથ્થરમારો પણ થયો હતો, જેમાં પ્લાન્ટના કામદારો પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપણ વાંચો : Dahod માં વેપારી પર નકલી આવકવેરા અધિકારીઓની રેડ, બે શખ્સો ઝડપાયા, ચાર ફરાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button