સોશિયલ મીડિયાના નશામાં ભાન ભૂલ્યો ડ્રાઈવર, ચેકપોસ્ટ પર રોકતા જ PI પર કર્યો જીવલેણ હુમલો…

દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લામાં શુક્રવારે એક આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યાનો પ્રયાસ કરવા બદલ ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પોલીસે જણાવ્યું કે, આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર બની હતી. આ ચેકપોસ્ટ ગુજરાતમાં દારૂ જેવી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી રોકવા માટેનું મુખ્ય પ્રવેશદ્વાર છે. કતવારા પોલીસ સ્ટેશનની ટીમે એક ટ્રકને ઉભી રાખવાનો ઈશારો કર્યો ત્યારે ડ્રાઇવરે તે અવગણીને ટ્રક ભગાવી મૂકી હતી, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો.
પોલીસે લગભગ બે કિલોમીટર સુધી પીછો કરીને ટ્રકને આંતરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરે શરૂઆતમાં પોલીસ સાથે દલીલ કરી હતી અને તેના સોશિયલ મીડિયા પરના લાખો ફોલોઅર્સ હોવાની બડાશ મારી હતી. જ્યારે પોલીસે ટ્રકની તલાશી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભાગવા લાગ્યો હતો. તેણે કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત પર પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં ઇન્સ્પેક્ટરની જમણી આંખમાં ગંભીર ઇજા થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે ડ્રાઇવરે ચેકપોસ્ટ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ કે ટ્રકમાં કોઈ પ્રતિબંધિત સામાન હોઈ શકે છે. જ્યારે ઇન્સ્પેક્ટર તથા અન્ય ચાર જવાનો આરોપીનો પીછો કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરે પાછળ ફરીને તેમના પર પથ્થરમારો કર્યો. પથ્થર પી આઈની આંખમાં વાગ્યો હતો, જેના કારણે જમણી આંખમાં ગંભીર ઇજા થઈ હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી માત્ર શાકભાજી મળી આવ્યા હતા, કોઈ ગેરકાયદેસર સામાન મળ્યો નહોતો. હુમલા બાદ દાહોદ પોલીસે આખી રાત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. એલસીબી અને એસઓજીની ટીમોએ આરોપીને નજીકના ખેતરમાંથી શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો…દાહોદમાં બબાલઃ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હિંસા, 5 રાઉન્ડ ફાયરિંગમાં બે લોકો ઘાયલ
કોણ છે આરોપી?
આરોપીની ઓળખ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અંકુશ હેમરાજ ડામોર તરીકે થઈ છે. ડામોર સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને અવારનવાર જોખમી સ્ટંટની રીલ્સ અપલોડ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ તે શા માટે ભાગ્યો તે સ્પષ્ટ કર્યું નથી. તેની એક રીલ્સમાં તે દારૂ પીતી વખતે ડ્રાઇવિંગ કરી શકે છે તેવો દાવો કરતો પણ જોવા મળ્યો હતો.



