દાહોદમાં ત્રણ પોલીસકર્મીની જ દારૂની તસ્કરીમાં સંડોવણી, ગાડી મૂકીને ફરાર

દાહોદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી જેમના શિરે છે, તે પોલીસકર્મીઓ જ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે પોલીસકર્મીઓ અને તેમને પાયલોટિંગ કરી રહેલા એક હેડ કૉન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ મચી ગઈ છે.
ત્રણેય પોલીસકર્મીઓ પોતાની ગાડીઓ મૂકીને ફરાર થઈ ગયા
મળતી માહિતી મુજબ, ચાકલીયા, ઝાલોદ અને એલસીબી (LCB) પોલીસની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, પોલીસકર્મીઓ જ દારૂ ભરેલી ગાડી લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વૉચ ગોઠવી દરોડો પાડ્યો હતો. દરમિયાન સામેથી પોલીસની ટીમને જોઈને દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણેય પોલીસકર્મીઓ પોતાની ગાડીઓ મૂકીને ફરાર થઈ ગયા હતા.
કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો
ચાકલીયા પોલીસે દારૂ ભરેલી ગાડીની ઝીણવટપૂર્વક તપાસ કરતા તેમાંથી કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ 5,66,646 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, હેડ કૉન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો, જ્યારે હેડ કૉન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને પોલીસ કૉન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં આ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા હતા.
ચક્રો ગતિમાન કરવામાં આવ્યા
રસપ્રદ બાબત એ છે કે, જે ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે તેઓ પોતે પણ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હતા. હાલમાં ચાકલીયા પોલીસે પોતાના જ ત્રણ સાથી કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા ત્રણેય પોલીસકર્મીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



