દાહોદના લીમખેડામાં પરિણીતાનો બે પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત | મુંબઈ સમાચાર
દાહોદ

દાહોદના લીમખેડામાં પરિણીતાનો બે પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત

દાહોદ: જિલ્લાના લીમખેડા નજીક એક પરણિત મહિલાએ પોતાના બે નાના પુત્રો સાથે રેલવે ટ્રેક પર ઝંપલાવી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના લીમખેડા રેલવે સ્ટેશન નજીક બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાએ પાંચ વર્ષના અને ત્રણ વર્ષના પોતાના બે પુત્રો સાથે માલગાડી ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતા અને બંને બાળકોના કરુણ મોત થયા હતા. મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, મહિલા તેના પતિ, સાસુ અને સસરા દ્વારા થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી.

આ પણ વાંચો : કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા જુદા-જુદા બનાવોમાં સાતના જીવ ગયા

છેલ્લા દસ વર્ષથી સાસરિયાઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવતો હોવાનો પિયર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ મહિલાના પિયર પક્ષના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતકના પિતા રતનસિંહે જણાવ્યું હતું કે, મારી દીકરીને એવો ત્રાસ આપ્યો કે બીએડ ભણેલી દીકરીએ આ પગલુ ભર્યું છે. અમે એને પેટે પાટા બાંધીને ભણાવી-ગણાવીને આ દિવસ જોવો પડ્યો છે. મૃતક પરિણીતાના માતા-પિતાએ સાંસરીયાને કડક સજા થાય તેવી માગ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button