દાહોદ

પીએમ મોદીના દાહોદ કાર્યક્રમમાંથી બચુ ખાબડની કરવામાં આવી બાદબાકીઃ રાજીનામું લેશે ભાજપ સરકાર?

દાહોદઃ જિલ્લામાં મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસે ગુજરાતના પંચાયતરાજ પ્રધાન બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપડ કરી હતી. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ સોમવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરાનારા પ્રધાનના પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા છે. કરોડો રૂપિયાના કૌભાંડાનો પર્દાફાશ થતાં હવે તેમનું પ્રધાન પદેથી રાજીનામું લેવાશે તેવી અટકળો વહેતી થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સચિવાલયમાં મંત્રી કાર્યાલયમાં પણ બચુ ખાબડે આવવાનું બંધ કર્યું છે. પુત્રોના કારસ્તાનને પગલે પ્રધાને સરકારી કાર્યક્રમમાં જવાનું પણ બંધ કર્યું છે. આ જ મહિનાના અંતમાં વડા પ્રધાન મોદી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં બચુ ખાબડની બાદબાકી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આપણ વાંચો:  ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે વડા પ્રધાન મોદી, આવો છે કાર્યક્રમ

દાહોદ જિલ્લામાં ધાનપુર-દેવગઢ બારિયા તાલુકાની સાથે સાથે સંજેલી, ફતેપુરા, ઝાલોદ સહિત સમગ્ર જિલ્લામાં ‘નલ સે જલ યોજના’માં મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં કામ ન હોવા છતાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે.

વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો કે, દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે મંત્રીના નિવાસસ્થાને ઈડી-આઈટી ક્યારે દરોડા પાડશે? તેમણે માંગ કરી છે કે, સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તે માટે પ્રમાણિક અધિકારીના વડપણ હેઠળ સીટની રચના કરવામાં આવે. આ ઉપરાંત તટસ્થ તપાસ થાય ત્યાં સુધી બચુ ખાબડને પ્રધાન પદેથી દૂર કરવામાં આવે. એટલું જ નહીં, દાહોદ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં થયેલાં મનરેગાના કામોની તપાસ પણ કરાવવામાં આવે. સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડનાર કૌભાંડીઓનો વરઘોડો કાઢશો કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button