પાવીજેતપુરમાં પ્રેમલગ્ન કરનાર યુગલને ગ્રામજનોએ આપી તાલીબાની સજા

છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે યુવક અને યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા હતા. પ્રેમલગ્ન કરનાર યુગલને ગ્રામજનોની તાલીબાની સજાનો સામનો કરવો પડ્યો હતો. બંને પ્રેમીઓ તેમજ યુવકના કુંટુંબીજનોએ સમાજના તેમજ ગામના બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. યુવકના ઘેર કોઇ જાય તો રૂ. 25 હજારના દંડનો ઠરાવ કર્યો હતો.
યુવકે યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી
આ અંગેની મળતી વિગત મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામમાં રહેતા કાજર બારિયા નામના યુવકને ફળિયામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં બન્નેએ ભાગીને લગ્ન કરી લીધા હતાં. યુવતી લાપતા થઇ જતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. તપાસ દરમિયાન યુવકે યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી.
પંચે ઠરાવ પાસ કર્યો
દરમિયાન સમગ્ર મામલો આદિવાસીઓના પંચ સમક્ષ પહોંચ્યો હતો. યુવતીને પરત ઘેર જતા રહેવા જણાવતા યુવતીએ યુવક સાથે રહેવાનું પસંદ કર્યુ હતું જેથી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ, સમાજમાંથી બહાર કરવાનો ઠરાવ કર્યો હતો અને યુવકને રૂ. 9 લાખ આપવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો…ગીરના જંગલમાં પીએમ મોદી શું કરશે? જાણો વિગત
પીડિત યુવકનું નિવેદન
પંચના આદેશનો ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે સમાજના નિયમ મુજબ રૂ. 1.75 લાખ સુધી દાવો આપવાનો હોય છે. પરંતુ આ લોકોએ રૂ. 10 લાખની માંગણી કરી આખરે રૂ. 9 લાખ નક્કી કર્યા હતા અને ગામની કોઇ પણ વ્યક્તિ અમારા ઘેર આવે તો તેને રૂ. 25 હજારના દંડનો ઠરાવ કર્યો હતો.
યુવકે ન્યાયની માંગણી કરી
અમે ઠરાવની કોપી માંગીએ તો આપતા નથી. પંચના આદેશના કારણે અમારે ગામની બહાર રહેવું પડે છે. ગામની સીમમાં મકાઇનો પાક છે પરંતુ તે રસ્તો પણ બંધ કરી દેતા ત્યાં જઇ શકતા નથી. ઉલ્લેખનીય છે કે યુવક દ્વારા સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.