છોટાઉદેપુરમાં માતાએ ૮ માસની દીકરીને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લીધો

સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાએ પોતાની આઠ માસની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ બનાવ બુધવારના રોજ સવારે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોક અને સનસનાટી ફેલાઈ જવા પામી હતી.
મળતી વિગતો અનુસાર, પીપળસટ ગામની સંગીતા બહેન નામની મહિલાએ બુધવારે સવારે પોતાના પતિ ગિરીશભાઈને દૂધ અને બિસ્કિટ લેવા માટે બજારમાં મોકલ્યા હતા. પતિ ઘરની બહાર ગયા તે દરમિયાન મહિલાએ પોતાની આઠ માસની દીકરીને પાણીની હોજમાં ડૂબાડીને કે અન્ય કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીનું મોત નિપજાવ્યા બાદ મહિલાએ ગમગીનીમાં ઘરની નજીક આવેલા લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જ્યારે પતિ ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમણે પોતાની આઠ માસની દીકરીને પાણીની હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી. ત્યારબાદ પત્ની ઘરમાં ન દેખાતા તેની શોધખોળ કરતા લીમડાના ઝાડ પાસે પત્નીને આત્મહત્યા કરેલી હાલતમાં જોઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે માતા અને બાળકી બંનેના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે આ કરુણ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પતિ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.



