રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના કયા બે નેતાએ રાજીનામું આપતા મચી ગઈ ચકચાર, જાણો | મુંબઈ સમાચાર

રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના કયા બે નેતાએ રાજીનામું આપતા મચી ગઈ ચકચાર, જાણો

આણંદઃ તાજેતરમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાત કોંગ્રેસના બે નેતાએ રાજીનામા આપી દેતા ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.એક સાથે બે લોકોના રાજીનામાથી અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા હતા.

રાજીનામું આપનારા બંનેએ શું કહ્યું

બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવવામાં આવ્યા હતા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ આપવામાં આવ્યા હતા. આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાન સાધ્યું હતું અને પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

રાહુલ ગાંધીની મુલાકાત વખતે જ કાર્યકરો થયા હતા નારાજ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન જ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

ગઈકાલે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરી હતી. જ્યારે મુખ્ય દંડક તરીકે ડો. કિરીટભાઈ પટેલ, ઉપદંડક તરીકે વિમલભાઈ ચુડાસમા, ઉપદંડક તરીકે ઈમરાનભાઈ ખેડાવાલા, ખજાનચી તરીકે દિનેશભાઈ ઠાકોર, મંત્રી તરીકે કાંતિભાઈ ખરાડી, પ્રવક્તા તરીકે જીગ્નેશભાઈ મેવાણી, પ્રવક્તા તરીકે અનંતભાઈ પટેલની નિમણૂક કરી હતી.

આપણ વાંચો:  હરણી તળાવ દુર્ઘટનાના પીડિતોને રૂ.1.2 કરોડ ચૂકવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પ્રદેશ પ્રમુખેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હતું. જે બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે તાજેતરમાં જ અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button