આણંદ (ચરોતર)ટોપ ન્યૂઝ

આણંદમાં ₹500 કરોડના ખર્ચે બનનારી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું અમિત શાહે ભૂમિપૂજન કર્યું, કહ્યું- ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે…

સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરી મળશે

આણંદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના વરદ હસ્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારીતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે.

૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજીને મંતવ્યો જાણવામાં આવ્યા હતા
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્ત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના ૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક, લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે.

૧૨૫ એકરમાં બનશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે.

દેશમાં ૪૦ લાખ કર્મચારીઓ અને ૮૦ લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેમાં ૩૦ કરોડ લોકો, એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ, આ ચળવળનો ભાગ છે. જોકે, સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો, જે આ યુનિવર્સિટી દૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશેઃ અમિત શાહ
આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, પરંતુ ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે તેમ કહી શાહે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે. આવું થવાથી સહકારી સંસ્થામાં ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે અને પારદર્શિતા વધશે. આ યુનિવર્સિટી ટેકનિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે.

ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે ત્રિભુવનદાસ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી. જે આજે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી રૂ. ૮૦ હજાર કરોડનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન્સ ડેરી દ્વારા થતાં અન્યાય સામેની લડત હતી.

આ યુનિવર્સિટી સહકારી પ્રવૃત્તિને ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બનાવશે. તે નવીનતા, સંશોધન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપશે, અને બે લાખ નવી સહકારી મંડળો બનાવવા સહિતની યોજનાઓને જમીન પર ઉતારશે. તેમણે દેશભરના સહકારી નિષ્ણાતોને આ યુનિવર્સિટી સાથે જોડાઈને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ સર્વસમાવેશ પગલાં માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીને ત્રિભુવનદાસ પટેલના નામ આપવાનું યથાર્થ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય પક્ષાપક્ષીથી પર ઉપર જઇને સહકારી પ્રવૃત્તિમાં તેમના યોગદાનને ધ્યાને રાખીને આ નામાભિધાન કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિભૂવનદાસ પટેલ જ્યારે અમૂલમાંથી નિવૃત્ત થયા ત્યારે ૬ લાખ મહિલાઓએ એક-એક રૂપિયો એકત્ર કરી રૂ. ૬ લાખની ભેટ આપી, તે ભેટને પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયનને તેમણે જ વિદેશમાં વધુ અભ્યાસ માટે મોકલ્યા હતા. ડો. કુરિયનનું પણ યોગદાન મહત્વનું છે.

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એનસીઇઆરટીના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ મોડ્યુઅલની જેમ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા શાહે પ્રેરક સૂચન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button