ખંભાતના ફૂડ કંપનીમાં ઝેરી ગેસથી બે શ્રમિકના મોતઃ 2 યુવક આઈસીયુમાં…

આણંદઃ ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલી એકતા ફ્રેશફૂડ કંપનીમાં એક દુઃખદ ઘટના બની હતી. કંપનીના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસ ફેલાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે શ્રમિક ગંભીર હાલતમાં છે.
કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને ટાંકીની અંદર ઉતારી સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. ટાંકીમાં ઝેરી ગેસની અસર થતા બંને શ્રમિકો બેભાન થઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે.
મૃતક શ્રમિકોના પરિવારજનોના હોસ્પિટલ બહાર આક્રંદથી વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને લઈને સ્થળ પર હાહાકાર મચી ગયો હતો. બીજી તરફ, આ મામલે અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. ફૂડ પ્રોડક્શન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ઈટીપી પ્લાન્ટની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. શ્રમિકોના મોત માટે જવાબદાર કોણ છે તે જાણવા માટે વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાથી શ્રમિક સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને સ્થાનિક સ્તરે આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો…ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લિકેજ: ચાર જણનાં મોત, બે ગંભીર