'દૂધિયું રાજકારણ': GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની? | મુંબઈ સમાચાર
આણંદ (ચરોતર)ટોપ ન્યૂઝ

‘દૂધિયું રાજકારણ’: GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની?

આણંદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આવતીકાલે (22 જુલાઈ) ચૂંટણી યોજાશે. હાલમાં ચેરમેન તરીકે સાબર ડેરીના શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જીસીએમએમએફ-અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ઇલેકશનના બદલે સિલેકશનની પરંપરા ચાલતી આવી છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતાં જીસીએમએમએફના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે.

કોણ કોણ કરશે મતદાન

જીસીએમએમએફના ચેરમેન અને વાઈસ ચેરમેનની 22 જુલાઈને મંગળવારના રોજ 11 વાગ્યે મતદાન યોજાશે. જેમાં રાજ્યના 18 દૂધ સંઘના ચેરમેન મતદાન કરશે. સાબરડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ, વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડમાં મતદાન કરશે.

મતદાન માટે મોટા માથા કરશે

આ ઉપરાંત આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ, ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા, ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન નરેશ મારૂ, અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, ભાવનગરની સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત, જૂનાગઢની સોરઠ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને પોરબંદરની સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખ પણ મતદાન કરશે.

કુરિયને જીસીએમએમએફની સ્થાપના કરી

વર્ષ 1973માં ડો. કુરિયન દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.-જીસીએમએમએફની સ્થાપના કરવામાં આવી હતી. જીસીએમએમએફમાં સ્થાપનાથી લઇને વર્ષ 2006 સુધી ચેરમેન તરીકે ડો. કુરિયને ફરજ બજાવી હતી. વર્ષ 2006માં ડો.કુરિયને આપેલા રાજીનામા બાદ જીસીએમએમએફના ચેરમેન તરીકે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરી પણ વિવાદમાં રહ્યા

વર્ષ 2012માં મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ દોઢેક વર્ષમાં વિવાદોમાં ઘેરાયેલા વિપુલ ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ચેરમેનપદનો કાર્યભાર સાબર ડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલને સોંપવામાં આવ્યો હતો. જેઠાભાઇ પટેલનો ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં વર્ષ 2018માં જાન્યુઆરી મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારની ચેરમેન તરીકે અને પંચમહાલની પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઇ આહીરની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

2023માં રિપિટ કરવામાં આવ્યા

વર્ષ 2020માં 23મી જુલાઇના રોજ ચેરમેનપદે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેનપદે કચ્છની સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલની પસંદગી કરવામાં આવી હતી. તેઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વર્ષ 2023માં 24મી જાન્યુઆરીના રોજ થયેલી ચૂંટણીમાં પણ તેઓને જ રિપીટ કરવામાં આવ્યા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button