આણંદમાં ગુજરાત ભાજપના ટોચના નેતાના પુત્ર સામે નોંધ્યો FIR, જાણો શું છે મામલો

આણંદઃ અહીંયા જમીન વિવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ચ અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી જીગરકુમાર પટેલે આરોપ લગાવ્યો છે કે તેમના મામાની જમીન પર માપણીના મુદ્દે થયેલા વિવાદમાં તેમને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
શું છે મામલો
એફઆઈઆર મુજબ, બાલાસિનોરમાં રહેતા જીગરકુમાર નાથાભાઈ પટેલ (ઉ.વ.૪૭) તેમના મામાના દીકરા નીતિનભાઈ ભાઈલાલભાઈ પટેલના ખેતરમાં બેઠા હતા. રાજેશ પાઠક અને તેમના મામાની જમીન બાજુ બાજુમાં આવેલી છે. રાજેશ પાઠકના પાર્ટનર ટીના મામા જમીન માપણી કરાવતા હતા. તે સમયે તેઓ તેમના મામાની જમીનની નજીક આવતા તેમને હદમાં રહેવાનું જણાવ્યું હતું.
થોડીવાર પછી પાર્થ પાઠક તથા 20 જેટલા માણસો આવ્યા હતા. તેમણે તેમને તું કેમ જમીન નથી માપવા દેતો તેમ કહ્યું હતું. જેથી તેમણે જમીન મારા મામાની છે તેમ કેહેતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા અને ગડદાપાટુ માર્યા હતા. આ લોકોએ તેમને મુંઢ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આપણ વાંચો : શમા પરવીન અલ કાયદાના ઇન્ડિયન મોડ્યુલની માસ્ટર માઈન્ડ, પાકિસ્તાન સાથે કનેકશન
ફરીથી ન આવવાની પણ ધમકી આપી
આ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમને જમીનના સાત-બારમાં તેમનું નામ હોવાનો સવાલ કર્યો હતો. જેથી તેમણે આ જમીન તેમના મામાના દીકરાની છે અને તેઓ તેની સંભાળ રાખવા આવ્યા છે. તેમ જણાવ્યું હતું. ગડદાપાટુનો મારથી તેમને માથા તથા શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી. આરોપીઓએ તેમને ફરીથી અહીં ન આવવાની પણ ધમકી આપી હતી.
ફરિયાદીએ આ ઘટના અંગે કાયદેસર તપાસની માગણી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય સામે મારામારી, ગાળાગાળી અને ધમકીના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી હતી.