નકલી નોટોના રેકેટનો પર્દાફાશ: આણંદમાં 17 લાખની નકલી નોટો સાથે ચારની ધરપકડ…
અમદાવાદઃ ગુજરાતમાં નકલી નોટો બજારમાં ફરતી કરવાના રેકેટનો પોલીસે પર્દાફાસ કર્યો હતો. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. જેમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા’ના લખાણવાળી રૂપિયા 500ના દરની કુલ 3400 નોટો જપ્ત કરાઈ હતી. પોલીસે સાતમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 2 આરોપીઓ તારાપુરના જ્યારે બીજા ગોધરા, તાલાળાના રહેવાસી હતા. વધુ તાપસ અર્થે તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી બ્રાન્ચને સોંપ્યા હતા.
કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો
આ અંગે મળતી વિગતો મુજબ, સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમી આધારે પોલીસે 27 ડિસેમ્બરની રાત્રે મોટી ચોકડી પર તૈયારીઓ સાથે વોચ ગોઠવી રાખી હતી. આ દરમિયાન એક કારમાં કુલ ચાર શખ્સ જોવા મળતા, પોલીસે તેમની અટકાયત કરી પુછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને પ્રકાશ વિક્રમ વાળા તરીકે આપી હતી.
આ પણ વાંચો : ગુજરાત માટે 2024 નું વર્ષ કેવું રહ્યું? જાણો વર્ષ ભરની મુખ્ય ઘટના એક ક્લિકમાં…
કુલ 17 લાખની નોટ મળી
પોલીસે ગાડીની ડેકીમાં તપાસ કરતા ખાખી રંગનું એક બોક્સ મળી આવ્યું હતું. જેમાં રૂપિયા 500ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા જેની ગણતરી કરતાં કુલ 17 લાખની નોટ મળી આવી હતી. આ તમામ નોટ પર ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું.
1 કરોડની નકલી નોટો માર્કેટમાં ફરતી
પોલીસને આકરી પૂછપરછ કરતા રાજા કાનાએ કબુલ્યું હતું કે, નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જીગ્નેશ પાસેથી લાવ્યા છે, તથા તે મિત્ર હરેશ રામજી રાખોલીયાને આપવાના છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી માર્કેટમાં ફરતી કરવાનું આયોજન હતું.