બેન્કને મકાનનો કબજો આપવાના બદલામાં ₹25,000 માંગ્યા: આણંદમાં કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો

આણંદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આણંદ જીલ્લા ન્યાયાલયનો સુપ્રિટેન્ડેન્ટ રૂ. ૧૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો હતો. બેન્કને મકાનનો કબજો આપવાના બદલામાં ₹25,000 રૂપિયાની માંગ કરી હતી. કોર્ટના સુપ્રિટેન્ડેન્ટે પહેલા ₹10 હજાર લીધા હતા અને બાદમાં જ્યારે તે ₹15 હજારની લાંચ લેવા જતો હતો ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) કોર્ટ સુપ્રિટેન્ડેન્ટને રંગે હાથ ઝડપી લીધો હતો.
મળતી વિગતો અનુસાર એક ફરિયાદીના મકાનનો કબજો લેવા માટે બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ આણંદની સિવિલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે તા. ૨૩/૦૪/૨૦૨૫ ના રોજ બેન્કને મકાનનો કબજો સોંપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશનો અમલ કરવા માટે કોર્ટ કમિશનર ઉસ્માનગની તા. ૩૧/૦૮/૨૦૨૫ ના રોજ ફરિયાદીના ઘરે ગયા હતા, પરંતુ તેમણે તે સમયે મકાનનો કબજો બેન્કને સોંપ્યો ન હતો.
આરોપીએ ફરિયાદીનો રૂબરૂ અને ટેલિફોનિક સંપર્ક કરીને જણાવ્યું હતું કે, કોર્ટના માણસો મકાનનો કબજો લેવા માટે આવશે તેની અને આગામી નોટિસની જાણ કરવા માટે તેમણે રૂ. ૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી રૂ. ૧૦,૦૦૦ તેઓ અગાઉ જ લઈ ચૂક્યા હતા. બાકીના રૂ. ૧૫,૦૦૦ ની માંગણી કરતા ફરિયાદીએ આ રકમ આપવાની ના પાડી હતી અને ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ફરિયાદીની ફરિયાદના આધારે એક છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપી ઉસ્માનગનીએ હેતુપૂર્વક વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરી અને સ્વીકારીને પકડાઈ ગયા હતા. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આપણ વાંચો: રિવરફ્રન્ટ પર સાવધાની રાખજો: પૂરના પાણી ઓસરતા જોવા મળ્યા સાપ, તંત્રએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન