અમૂલ ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત: 13માંથી 11 બ્લોકમાં ભાજપનો વિજય

આણંદઃ ગુજરાતના સહકારી ક્ષેત્રની અગ્રણી આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ચૂંટણીમાં કુલ 12 બ્લોક પૈકી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે ગત તારીખ 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાયેલી ચૂંટણીમાં બાકીના 8 બ્લોક તેમજ વ્યક્તિગત સભાસદની 1 બેઠક માટે 97.48 ટકા મતદાન નોંધાયું હતું.
શુક્રવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 9 માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આમ, કુલ 13 માંથી 11 બ્લોકમાં વિજય સાથે ભાજપ અમૂલમાં કબ્જો જમાવવામાં સફળ રહ્યું હતું. આ પરિણામથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં ભાજપનું પ્રભુત્વ સ્થાપિત થયું છે. પરિણામની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
ભાજપના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલ મત પર એક નજર કરીએ તો આણંદ – કાંતિભાઈ સોઢાપરમાર – 79 મત મળ્યાં (51 મતથી વિજય),ખંભાત – રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર – 84 મત મળ્યાં (65 મતથી વિજય),પેટલાદ – બીનાબેન તજસકુમાર પટેલ – 83 મત મળ્યાં (78 મતથી વિજય),નડિયાદ – વિપુલભાઈ કાંતિભાઈ પટેલ – 83 મત મળ્યાં (60 મતથી વિજય),કઠલાલ – ઘેલાભાઈ માનસિંહ ઝાલા- 79 મત મળ્યાં (54 મતથી વિજય),માતર – ભગવતસિંહ કાળીદાસ પરમાર – 53 મત મળ્યાં (35 મતથી વિજય),વ્યક્તિ સભાસદ – વિજયભાઈ ફુલાભાઈ પટેલ – 4 મત મળ્યાં (1 મતથી વિજય),ઠાસરા – પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર – બિનહરીફ,બાલાસિનોર – રાજેશભાઈ પાઠક – બિનહરીફ,મહેમદાવાદ – ગૌતમભાઈ ચૌહાણ – બિનહરીફ,વિરપુર – શાભેસિંહ પરમાર – બિનહરીફનો સમાવેશ થાય છે.
જ્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવારોમાં બોરસદ – રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમાર – 52 મત મળ્યાં (12 મતથી વિજય),કપડવંજ – ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી – 61 મત મળ્યાં (11 મતથી વિજય) જીતવામાં સફળ રહ્યા હતા.
અમૂલ ડેરીમાં ભાજપના સત્તાધીશોએ જમીન ખરીદીમાં તેમજ કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચરી હોવાના આક્ષેપો માતર બ્લોકના અપક્ષ ઉમેદવાર કેસરીસિંહ સોલંકીએ કર્યાં હતાં. કેસરીસિંહ સોલંકીએ આ ચૂંટણી જીતવા માટે ઘણી મહેનત પણ કરી હતી, પરંતુ કેસરીસિંહ સોલંકી આ ચૂંટણી હારી ગયાં હતા. તેઓને માત્ર 18 મત જ મળ્યાં છે. અમૂલ ડેરીના બોરસદ બ્લોકમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર જીતતા આવ્યાં છે. તેઓએ આ વર્ષે પણ પોતાના દમ પર ચૂંટણી જીતી બોરસદ બ્લોકમાં કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો છે.
આપણ વાંચો: અમદાવાદમાં તમામ ઓટો, ટેક્સી ચાલકોને ડ્રાયવર સીટ પાછળ હેલ્પલાઈન વિગતો લખવા આદેશ