આંકલાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને સળગાવીને હત્યાનો પ્રયાસ

આણંદઃ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા ખેડૂતને જીવતો સળગાવી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ખેડૂતે ગામના મહિલા સરપંચ અને તેના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા આ બનાવ બન્યો હતો.
મુખ્યમંત્રી સહિત કોને કરી હતી અરજી
આ અંગે ખેડૂતે જણાવ્યું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થતો હતો. મેં 10 દિવસ પહેલા ડીડીઓ, ટીડીઓ, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો, તેથી અમે મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું. જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી મને ધમકી આપવામાં આવી. બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ અને સંદેશા મોકલાવવામાં આવ્યા કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે હું દળણું દળાવવા માટે ગયો હતો. ત્યાં અચાનક સરપંચ, તેમના પતિ, પુત્ર અને ભત્રીજો કાર લઈને આવ્યા હતા અને મને ફટકારવા લાગ્યા હતા.
મહિલા સરપંચે પકડી રાખ્યો અને પુત્રએ પેટ્રોલ છાંટ્યું
તેઓ મારતા મારતા મને ગામની વચ્ચે લઈ ગયા હતા. ત્યાં સરપંચે મને પકડી રાખ્યો હતો. જે બાદ તેના પુત્રએ પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી હતી. સરપંચના પતિએ મને લાત મારીને પછાડી દીધો હતો. આગની જ્વાળામાં લપેટાઈને મેં બૂમો પાડવાનું શરૂ કરતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ગામમાં ચકચાર
ઘટનાના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને પહેલા આંકલાવ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. જ્યાં તેમની સ્થિતિ નાજુક છે. બનાવના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી.



