બોપલમાં ઉછીના પૈસા ન આપતા એક યુવક પર 12 જેટલા શખ્સોએ કર્યો હુમલો…

અમદાવાદ: છેલ્લા દિવસોથી અમદાવાદમાં મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને પોલીસ પણ આવા અસમાજીક તત્વોની સામે કાર્યવાહી કરી રહી છે તેમ છતા લુખ્ખા તત્વોઓ આતંક યથાવત જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં એક યુવક પર ચાર શખ્સ દ્વારા કરવામાં આવેલી મારામારીની ઘટના બાદ શેલા વિસ્તારમાં ઉછીના પૈસાની માંગને લઈને એક યુવક પર 12 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.
બોપલમાં મારામારીની ઘટના
અમદાવાદનાં બોપલનાં પશ્ચિમનાં શેલા સ્કાયસીટી રીવેરા ઇલાયટ પાસે 27 માર્ચની રાતે મારામારીની ઘટના બની હતી. ઘરઘાટીનું કામ કરતા એક યુવક પાસે તેની જ કોલોનીમાં રહેતાં યુવકે ઉછીના રૂપિયા માગ્યા હતાં. જો કે યુવકે કહ્યું કે અમારી પાસે કોઇ પૈસા નથી. આથી ઉશ્કેરાઈ જતાં અન્ય 11 જેટલા યુવકોએ મળીને પીડિત યુવકને લાકડાના દંડા અને પાટુંથી ઢોરમાર માર્યો હતો અને જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો.
યુવક પર મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના અંગે સમગ્ર મામલે બોપલ પોલીસ મથકમાં રાયોટિગનો ગુનો નોંધી 11 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ
આંબાવાડીમાં ચાર શખ્સોએ કર્યો હુમલો
થોડા દિવસ પૂર્વે આંબાવાડીમાં એક યુવક પર ચાર શખ્સોએ લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આંબાવાડી ચાર રસ્તા નજીક 24 વર્ષના નીહાર ઠાકોર નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. રાતે સાડા બાર વાગ્યા આસપાસ નીહાર ઠાકોર અને તેનો મિત્ર પરિમલ ગાર્ડનથી તેનાં ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રવિ જ્વેલર્સની સામે એક એક્ટિવા ચાલકે તેને રોકીને નીચે ઉતારીને લાકડીનો ફટકો માર્યો હતો.