
અમદાવાદઃ ગુજરાતીઓનો વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ બનાવવા માટે એપોઇમેન્ટ લીધા બાદ જરૂરી દસ્તાવેજો સાથે પીએસકે પર જવું પડે છે, જ્યાં તમામ પુરાવાની ચકાસણી થાય છે. જોકે હવેથી પાસપોર્ટ ઓફિસ પુરાવા લઈને જવાની જરૂર નહીં પડે. રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદના જણાવ્યા મુજબ, ડોક્યુમેંટ સબમિટ કરવાની પ્રક્રિયા દરમિયાન ચકાસણી માટે ડિજીલોકર દ્વારા જારી કરાયેલા પુરાવા અને અન્ય દસ્તાવેજો પાસપોર્ટ સેવા પોર્ટલ પર અપલોડ કરી શકાશે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ફોટો આઈડી ડોક્યુમેંટ ડિજીલોકર દ્વારા વેરિફિકેશન માટે અપલોડ કરી શકશે.
ડિજીલોકરનું ક્યારે આપવું પડશે ઍકસેસ
સૂત્રોએ જણાવ્યું કે, અરજદારો પોર્ટલ પર ડિજીલોકર દ્વારા જારી કરાયેલા ID અને અન્ય દસ્તાવેજો અપલોડ કરી શકે છે. તેમને પૂછવામાં આવે ત્યારે તેમના ડિજીલોકરની ઍક્સેસ આપવી પડશે. જે દસ્તાવેજોની સરળ ચકાસણી અને અરજીઓની સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરશે. અરજદારો તેમની અરજી સબમિટ કરતી વખતે અથવા તેમની નિયત એપોઇન્ટમેન્ટના દિવસે તેમના ડિજીલોકરની ઍક્સેસ આપી શકે છે.
ડિજીલોકરનું આ પછી નહીં આપી શકાય એક્સેસ
જોકે, ટોકન જારી થયા પછી, ડિજીલોકરની ઍક્સેસ આપી શકાશે નહીં. અગાઉ, લોકોને ફિઝિકલ ડોક્યુમેંટ પર આધાર રાખવો પડતો હતો. તેમજ સ્કેન કરેલી નકલો સબમિટ કરવી પડતી હતી. તાજેતરના સુધારાઓના ભાગરૂપે, વિદેશ મંત્રાલય હવે ઓનલાઈન અરજી સબમિશન દરમિયાન સરનામાના માન્ય પુરાવા તરીકે ડિજીલોકર દ્વારા આધાર દસ્તાવેજ સ્વીકારે છે. જે અરજદારો સરનામાના પુરાવા માટે તેમના દસ્તાવેજોમાંના એક તરીકે આધાર સબમિટ કરે છે તેમને પોર્ટલ પર ‘ડિજીલોકર અપલોડ’ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હાલ ગુજરાતમાં કેટલા છે પાસપોર્ટ સેવા કેન્દ્ર
તાજેતરમાં સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અંગેનો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારનો વિચાર ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાનો છે કે નહીં? જો હા તો તેની શું વિગત છે અને જો ના હોય તો તેનું શું કારણ છે. તેમજ સરકારનો વિચાર વિતરણ સેવાઓ વધારવા માટે પોસ્ટઓફિસો ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાનો છે. જો હા તો તેની વિગત શું છે અને ના તો શું કારણ છે.
જેના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ, જાન્યુઆરી, 2017માં વિદેશ મંત્રાલયે પોસ્ટ વિભાગ (ડીઓપી)ના સહયોગથી દેશમાં મુખ્ય પોસ્ટ ઓફિસો (એચપીઓ), પોસ્ટ ઓફિસો (પીઓ)માં પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો હતો. જ્યાં કોઈ પીએસકે કે પીઓપીએસકે ન હોય તેવા લોકસભા મત વિસ્તારમાં આવેલ પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીઓપીએસકે) કહેવાય છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં એક પીઓપીએસકે કાર્યરત છે. હાલ ગુજરાતમાં 2 પ્રાદેશિક પાસપોર્ટ કેન્દ્ર, 5 પીએસકે અને 23 પીઓપીએસકે ચાલુ છે. પોસ્ટઓફિસ સિવાય અન્ય સંસ્થાઓમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવા માટે હાલ સરકારની કોઈ યોજના નથી.
આપણ વાંચો: હોમ લોન વધી પણ ખરીદીનો ઉત્સાહ ઘટ્યો, ઘર લેવાનું લોકો કેમ ટાળી રહ્યા છે?



