
અમદાવાદ: ગુજરાતી અસ્મિતા સમાન પર્વ નવરાત્રીની સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરની એક ગરબી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરના કડિયાવાડ વિસ્તારમાં યોજાતી શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળની એક પરંપરા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ગરબીમાં લગભગ છેલ્લા પચાસેક વર્ષથી અંગારા રાસ યોજાય છે, જેમાં યુવાનો સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે રાસ રમે છે.
તે ઉપરાંત આ ગરબી મંડળનું અન્ય આકર્ષણ છે સળગતી મશાલ સાથેનો રાસ, કે જેમાં મશાલમાંથી અંગારાને ગરબીના પટમાં વિખેરી નાખવામાં આવે છે અને તેનાથી સાથિયાનો આકાર બને છે. તે ઉપરાંત નાની બાળાઓ સળગતી ઈંઢોળી સાથે રાસ રમે છે.રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ જામનગરના જગવિખ્યાત સ્વસ્તિક રાસનો વીડિયો શેર કર્યો હતો. જેમાં અન્ય તમામ લાઇટો બંધ કરી દીધા બાદ સર્જાતું દ્રશ્ય દર્શકોને મંત્રમુગ્ધ કરી નાખે છે. તે ઉપરાંત જામનગર શહેરના રણજીતનગર વિસ્તારની ગરબીમાં આશરે છેલ્લા 7-8 દશકથી યોજાતો મસાલ રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અને જામનગરની પ્રાચીન પરંપરાનું જીવંત પ્રતીક છે.
અન્ય એક ગરબીની વાત કરીએ તો જામનગરમાં લગભગ ત્રણસો વર્ષ પૂર્વે જલાની જાર વિસ્તારમાં એક અનોખી ગરબીની શરૂઆત થઈ હતી, જેમાં પુરૂષો પિતાંબર પહેરી કોઇપણ જાતના લાઉટ સ્પીકર કે વાજીંત્રના ઉપયોગ વીના મોડી રાત્રે ૧૨ થી ૪ દરમ્યાન ગરબાના તાલે ઘુમીને ભગવાન શિવજી અને પાર્વતીની આરાધના કરે છે. આમ તો સાંકડા મેદાનમાં જ રંગબેરંગી અબોટિયા પહેરી માથે ચંદનનુ મોટુ તિલક કરીને પુરૂષો ઈશ્વર વિવાહમાં જોડાય છે, આ ઈશ્વર વિવાહમાં ચાંદી જડીત માતાનો મઢ અને ચાંદી જડીત નવદુર્ગાના સ્ટેચ્યુ સદીઓ પુરાણા છે.
આપણ વાંચો: ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા: દેશના ટોપ-10 કુપોષિત જિલ્લામાં રાજ્યના 5 જિલ્લાનો સમાવેશ