વેક્સ મ્યુઝિયમ અને બટરફ્લાય પાર્ક જોવા માટે હવે ઓછા ખર્ચવા પડશે રૂપિયા !

અમદાવાદ: હવે કાંકરિયા બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની મુલાકાત લેવા ઈચ્છતા લોકો માટે એક રાહતના સમાચાર છે. કારણ કે આવનાર સમયમાં કાંકરિયા બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. કાંકરિયા લેકફ્રન્ટના પ્રવાસન આકર્ષણોને વધારે પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટના દરમાં ઘટાડો કરવાની મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર કાંકરિયા લેકફ્રન્ટના પ્રવાસન આકર્ષણોને વધુ લોકભોગ્ય બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીમાં બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટના દરમાં ઘટાડો કરવાની મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી છે. હાલમાં બટરફ્લાય પાર્કની ટિકિટનો દર રૂ. 100 છે, જેને ઘટાડીને રૂ. 60 કરવાની અને વેક્સ મ્યુઝિયમની ટિકિટ રૂ. 130થી ઘટાડીને રૂ. 100 કરવાની યોજના છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરવાનો અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ સ્થળોને વધુ સસ્તું બનાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025માં શરૂ કરાયેલા વેક્સ મ્યુઝિયમમાં પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો છે, જેમાં સૂર્યમંડળના ગ્રહો હવામાં ફરતા જોઈ શકાય છે. અહીં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાલવાટિકા ખાતે ક્રિકેટર વિરાટ કોહલી, એમ.એસ. ધોની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વેક્સ સ્ટેચ્યુ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, ત્યારે ટિકિટના ભાવ ઘટવાથી પ્રવાસીઓના ધસારામાં મોટો વધારો થવાની અપેક્ષા છે.
આપણ વાંચો: પોતાની જગ્યાએ બીજાને બેસાડ્યા તો હંમેશા માટે જગ્યા ગુમાવશો’: ભદ્રમાં પાથરણાવાળાને કોર્ટની ટકોર



