"અમેરિકાના ખેડૂતોને માલામાલ કરી રહ્યા છો અને ભારતના ખેડૂતોને બરબાદ' કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર | મુંબઈ સમાચાર
અમદાવાદ

“અમેરિકાના ખેડૂતોને માલામાલ કરી રહ્યા છો અને ભારતના ખેડૂતોને બરબાદ’ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા ખાતે કિસાન મહાપંચાયતને સંબોધન કરવાના હતા પરંતુ રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ચોટીલામાં સભા સ્થળે બે-બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને તેથી કિસાન મહાપંચાયતને સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને ખેડૂતોના મુદ્દા પર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાના જવાબમાં પીએમ મોદીને અમેરિકન આયાત પર 75 ટકા ટેરિફ લાદીને હિંમત બતાવવાની અપીલ કરી હતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં આયાત જકાતને કારણે અમેરિકાનો કપાસ ભારતના બજારમાં મોંઘો પડતો હતો અને આથી ભારતના ખેડૂતોનો કપાસ વેંચાઈ જતો હતો. પરંતુ 19 ઓગસ્ટથી કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટીને કેન્દ્ર સરકાર દ્વારા હટાવી દેવામાં આવી છે. અને તેના કારણે ભારતના ખેડૂતોના કપાસ કરતા અમેરિકાથી આયાતી કપાસ સસ્તો પડશે, જેના પરિણામે ખેડૂતોને તેમના કપાસના ઉત્પાદનનો યોગ્ય ભાવ નહીં મળે.

કેજરીવાલે કહ્યું, “અમે વડાપ્રધાન પાસે માંગ કરીએ છીએ કે તેઓ હિંમત બતાવે, આખો દેશ તમારી સાથે છે. અમેરિકાએ ભારતમાંથી થતી નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, તો તમે પણ અમેરિકાથી આવતી આયાત પર 75 ટકા ટેરિફ લગાવો. દેશ આ સહન કરવા તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં, મોદી સરકારે તેના બદલામાં કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ ઉલટાનું કપાસની આયાત પર 11 ટકા ડ્યુટી ઘટાડી દીધી છે. કેજરીવાલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું, ટ્રમ્પ એક કાયર માણસ છે. તેમણે જે દેશો સામે ટક્કર લીધી, તે બધાએ ટ્રમ્પને ઝુકાવ્યા છે. તમે પણ ચાર અમેરિકન કંપનીઓને બંધ કરી દો, તો ટ્રમ્પની હાલત ખરાબ થઈ જશે.

https://twitter.com/AamAadmiParty/status/1964607148169552182

અરવિંદ કેજરીવાલે આરોપ કરતાં કહ્યું હતું કે 2014 પહેલા ગુજરાતમાં એક મણ કપાસનો ભાવ રૂ.1500 થી રૂ.1700 મળતો હતો. પરંતુ આજે 11 વર્ષ પછી પણ ખેડૂતોને રૂ.1500 તો દૂર, રૂ.1200 અને હવે અમેરિકી કપાસ ભારતના બજારમાં આવશે ત્યારે આ ભાવ રૂ.900થી પણ ઓછા થઈ જશે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અમેરિકાના ખેડૂતોને માલામાલ કરી રહી છે અને દેશના ખેડૂતોને બરબાદ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ ચાર માંગ કરી હતી. જેમાં અમેરિકા પર 11 ટકા આયાત વેરો લગાવવામાં આવે, ભારતીય ખેડૂતોની કપાસ પર પ્રતિ મણ રૂ. 2100 એમએસપી આપવામાં આવે તેમજ રૂ. 2100 પ્રતિ મણના હિસાબે કપાસની ખરીદી પણ કરવામાં આવે. ખેડૂતોને ખાતર અને બીજ સહિત વસ્તુઓ પર સબસિડી આપવામાં આવે. આરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પણ પ્રહારો કરતાં કહ્યું હતું કે આવા મુદ્દાઓ પર કોંગ્રેસ ચૂપ છે. તેમને હીરાના કારીગરોમાં રસ નથી તેમને રસ માત્ર ભાજપની નોકરીમાં છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button