
અમદાવાદઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર સાથે કેટલાક રાજ્યના બજેટ રજૂ થયા છે. આ દરમિયાન ગુજરાતના નાણા પ્રધાન દ્વારા વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93 ટકા જેન્ડર બજેટ માટે ફાળવવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાતમાં દેશમાં પ્રથમ ક્રમ ધરાવે છે. રાજ્યનું જેન્ડર બજેટ 2021-22માં 77 હજાર કરોડ હતું, તે પાંચ વર્ષમાં 87 ટકા વધીને રૂ. 1.44 લાખ કરોડ થયું છે.
જેન્ડર બજેટમાં બે પ્રકારની યોજનાઓ સામેલ હોય છે. કેટેગરી-Aમાં 100 ટકા ફંડ મહિલા સંબંધિત યોજના માટે ખર્ચ થાય છે. કેટેગરી-Bમાં એવી યોજનાઓ હોય છે જેમાં 30 ટકાથી 99 ટકા સુધી ખર્ચ મહિલાઓ માટે છે. રાજ્યના 2025-26ના બજેટમાં 10958 કરોડની 135 જેટલી યોજના-જાહેરાતોમાં 100 ટકા ખર્ચ મહિલાઓ માટે કરવામાં આવશે. વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારનું બજેટ 50.65 લાખ કરોડનું છે. તેમાં 8.86 ટકા એટલે કે 4.49 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રધાન અને આપના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી
દેશમાં ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે
ગુજરાતમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93 ટકા એટલે કે 1.44 લાખ કરોડ જેન્ડર બજેટ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત વર્ષ 2024-25માં મધ્યપ્રદેશ રૂ. 1.22 લાખ કરોડ જેન્ડર બજેટ સાથે બીજા ક્રમે હતું. પ.બંગાળે રૂ. 1.18 લાખ કરોડ, તમિલનાડુએ રૂ. 1.22 લાખ કરોડની ફાળવણી કરી હતી.
‘સખી સાહસ’ યોજના અમલમાં મુકાઈ
હાલમાં જ નાણા પ્રધાન કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલાઓની આત્મનિર્ભરતા માટે ‘સખી સાહસ’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી..તેમાં નોકરી માટે ઘરેથી દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.