
Latest Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં એક પરિણીતાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. મહિલાએ ત્રણ સંતાન સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પગલું ભરતા પહેલાં તેણે સ્યુસાઈડ નોટ લખી હતી. દવા પીધા બાદ સારવાર માટે ચારેયને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે હાલ બે બાળકીઓ સારવાર હેઠળ છે.
શું લખ્યું છે સ્યુસાઈડ નોટમાં

પરિણીતાએ અંતિમ પગલું ભરતા પહેલાં સ્યુસાઈડ નોટ લખી હતી, જે મુજબ મમ્મી-પપ્પા હું બહુ થાકી ગઈ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયા પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો. તમારી વહુ તરીકે વિદાય ન આપતા. એના હાથે સિંદુર પણ ન પુરાવતા મારે તમારા ઘરે પાછું નથી આવવું. હું કોઈના એટલે કોઈના પર બોજો બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી એટલે હવે હું હવે આ પગલું ભરી રહી છું. આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામોનિશાન ન રહેવું જોઈએ. હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશું જ ફરક નથી પડતો. બસ હવે હું જઉં, પપ્પા-મમ્મી, ભાઈ તમે અમને લોકોને યાદ કરીને રડતા નહીં. હંમેશા ખુશ રહેજો તમે લોકો.
કેવી રીતે બની ઘટના
પોલીસમાંથી મળતી વિગત પ્રમાણે આજે સવારે પરિણીતાએ તેના ત્રણેય બાળક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોલ્ડ્રીંક્સમાં ઘઉંમાં નાખવાની દવા નાખી અને ત્રણેય બાળકોને પીવડાવી દીધી હતી ત્યાર બાદ પોતે પણ પી લીધું હતું. તમામને ઉલટીઓ થવા લાગતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પરિણીતા અને તેના બે વર્ષના પુત્રનું મોત થયું હતું. જ્યારે બે બાળકી હાલ સારવાર હેઠળ છે.