
અમદાવાદઃ દેશભરમાં શિયાળો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જોકે ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશ. પૂર્વ તરફના પવન ફૂંકાતા જ ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આજથી ધીમે ધીમે તાપમાનમાં 2-3°C નો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, 23 ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ક્યાંય પણ હાલ વરસાદની આગાહી આપવામાં આવી નથી.
અમરેલીમાં સૌથી નીચું તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં12.9 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી, કંડલામાં 15.3 ડિગ્રી, અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, ભુજમાં 15.2 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, મહુવામાં 15.1 ડિગ્રી, દમણમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 16.9 ડિગ્રી, કેશોદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
દેશમાં કેવું રહેશે હવામાન
દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આજે 19 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ધુમ્મસની સંભાવના છે. મહત્તમ તાપમાન 22-25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
રાજસ્થાનના 25 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન
રાજસ્થાનના 25 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન ફતેહપુરમાં 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે બીજા ક્રમે નાગૌર શહેર રહ્યું હતું. નાગૌરનું લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીકાનેરના લૂણકરણસર શહેરનું તાપમાન પણ 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું, એટલે કે 4.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસની અપેક્ષા છે અને ઘણા જિલ્લાઓમાં ઠંડા દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે. 20 અને 21 ડિસેમ્બરે રાજ્યમાં ગાઢ ધુમ્મસ સાથે સ્વચ્છ હવામાન રહેવાની ધારણા છે. દિલ્હીમાં આજે 19 હળવાથી મધ્યમ ધુમ્મસની સંભાવના છે. મહત્તમ તાપમાન 22-25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
આ પણ વાંચો…અમદાવાદમાં રહેશે ઠંડીનો ચમકારો? જાણો દેશના કયા રાજ્યોમાં વરસાદનું અપાયું એલર્ટ



