
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગ અનુસાર, 20 ડિસેમ્બર સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. હાલમાં ક્યાંય વરસાદની આગાહી નથી. હવામાન નિષ્ણાતોના મતે, ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં બે થી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. જોકે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. આ સાથે ડિસેમ્બરના અંતથી ભયંકર ઠંડીનો દોર શરૂ થઈ શકે છે. એવું લાગતું નથી કે થોડા દિવસો સુધી તાપમાન વધુ ઘટશે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે અન્ય વિસ્તારોમાં 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેશે. આ વખતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું છે, તેથી સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું રહે છે. મહત્તમ તાપમાન 29 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. 17 ડિસેમ્બરથી વાદળો છવાઈ જશે અને 19 ડિસેમ્બર સુધી રહેશે અને ત્યારબાદ 18 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે.
ઉત્તરીય પવનોને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી વગેરેમાં ઠંડીની સ્થિતિ રહેશે. લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 16 થી 17 ડિગ્રી સેલ્સિયસ અને જૂનાગઢ અને અમરેલીના કેટલાક ભાગોમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. રાજકોટમાં પણ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ સવારે ઠંડીનો અનુભવ થશે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે.
16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડા પવનો ફૂંકાશે. રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો…રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો દેશમાં કેવું રહશે હવામાન



