ચોમાસામાં શહેરના રોડ પર ભૂવા-ખાડા કેમ પડે છે: ગુજરાત હાઇ કોર્ટ | મુંબઈ સમાચાર

ચોમાસામાં શહેરના રોડ પર ભૂવા-ખાડા કેમ પડે છે: ગુજરાત હાઇ કોર્ટ

અમદાવાદઃ શહેરના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે થયેલી સુઓમોટો પર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે એવી ટકોર કરી હતી કે,‘ઓથોરિટી તરફથી કામનો અહેવાલ રજૂ કરવામાં આવે છે પરંતુ હાલ વરસાદની મોસમમાં રોડ પર પડતાં ભૂવાની સમસ્યા જોવા મળે છે. શું તમે આવા રોડને અગાઉથી ઓળખીને ચોમાસા પહેલાં એની મરામત કે રિપેરિંગ કરી શકતાં નથી? જો ઓથોરિટી એ કરે છે, તો રસ્તાઓ પર ભૂવા કઇ રીતે પડે છે?’

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે એવી રજૂઆત કરી હતી કે,‘અમદાવાદ શહેર માટે ‘ભૂવા’ ‘ભૂતકાળ’ બની ગયા છે અને ભાગ્યે જ ભૂવા જોવા મળે છે. રસ્તાઓ પર પડતાં ખાડા જરૂરથી સમસ્યા છે, જે સતત સામે આવે છે. શહેરમાં સતત વધતા જતાં ટ્રાફિકના લીધે ઇસ્યૂ થાય છે. ટ્રાફિક તો વધતો જ રહેશે, પંરતુ કોર્પોરેશનની ફરજ છે કે એ સતત રોડ રિસરફેસિંગ કરે. ૭૨ કલાક કોર્પોરેશનની હોટલાઇન એની ખાતરી કરે છે કે રસ્તાઓ પરના ખાડાનું સમારકામ થઇ જાય. કોર્પોરેશનની હેલ્પલાઇન પણ છે અને જ્યાંથી પણ માહિતી મળે રિપેરિંગ કરવામાં આવે છે.’

કોર્પોરેશને કહ્યું હતું કે અમદાવાદના મુખ્ય જંક્શનો ઉપર કામ કરાવી રહ્યું છે. પહેલા તબક્કાની કામગીરીમાં અમદાવાદના 29 જંક્શનમાં સુધારાની જરૂર હોવાનું જણાયું હતું. તે પૈકી 15 જંક્શન સુધારી દેવાયા છે. કોર્પોરેશન નવ આઇકોનિક રોડ બનાવી રહી છે. તે પૈકી એક રોડ એરપોર્ટથી ગાંધીનગરનો છે. એક કેમ્પ હનુમાન અને બીજો શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જંકશન ઉપર બનવાનો છે. લો ગાર્ડન અને મીઠાખળીમાં વેન્ડર ટ્રાફિક જોવા મળે છે. આ પ્લાનિંગ માટે સરદાર વલ્લભભાઈ નેશનલ ટેકનિકલ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ મદદ લઇ કામ કરાઈ રહ્યું છે. સિંધુભવન રોડ ઉપર ચાલવાની વ્યવસ્થા યોગ્ય છે પરંતુ પાર્કિગની જરૂર છે.’ હાઇકોર્ટે કહ્યું હતું કે આગામી 5-10 વર્ષના ભવિષ્યના પ્લાનિંગ ઉપર ઓથોરિટીએ ફોકસ રાખવું જોઈએ. સરકારી વકીલે જણાવ્યું હતું કે AMCનું રોડ બજેટ 18 મહિનાનું હોય છે, દર આઠ મહિને રિવ્યૂ મિટિંગ કરાય છે. ચોમાસા પછી શું કરવું તે અંગે પણ ફોકસ હોય છે.

આ પણ વાંચો…ગુજરાત હાઇ કોર્ટે પૂર્વ સરપંચ સહિત ચાર અધિકારીઓ સામે FIR નોંધવાનો કેમ આપ્યો આદેશ? જાણો શું છે મામલો…

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button