
અમદાવાદઃ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછીના પેરામેડિકલ અભ્યાક્રમમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો હતો. જેમાં 33,000થી વધારે બેઠક ખાલી રહી હતી. આ કારણે નર્સિંગ મુદત એક મહિનો વધારવામાં આવી હતી. ગુજરાતમાં આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) કોર્સના પ્રવેશના પ્રથમ રાઉન્ડના આંકડા ચિંતાજનક રહ્યા હતા. આ કોર્સની 876 બેઠકો ખાલી રહી હતી. રાજ્ય સરકાર દ્વારા આયુષ (AYUSH) ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવા છતાં વિદ્યાર્થીઓ હવે આ પ્રવાહમાં જોડાવા ઉત્સુક નથી.
NRI ક્વોટાની સીટો ખાલીખમ
પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ માટેની એડમિશન કમિટીના ડેટા મુજબ, મેરિટ લિસ્ટમાં 24,417 વિદ્યાર્થીઓ હોવા છતાં, માત્ર 11,198 વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી સબમિટ કરી હતી. પ્રવેશ ફાળવણી બાદ, રાજ્યના ક્વોટા હેઠળ BAMSમાં 354 અને BHMSમાં 522 બેઠકો ખાલી રહી હતી. આ ખાલી બેઠકોનો મોટો ભાગ NRI ક્વોટામાં છે, જેની પાછળનું કારણ ઊંચી ફી છે.
કેમ વિદ્યાર્થીઓનો ઘટી રહ્યો છે રસ
સૂત્રોના કહેવા પ્રમાણે, ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદ અને હોમિયોપેથીને તેમને છેલ્લો વિકલ્પ માને છે. જેની પાછળ અનેક કારણો છે. જેમકે તે વિદેશમાં માન્ય નથી અને તેની પ્રતિષ્ઠા પણ ઓછી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે વિદ્યાર્થીઓ તેમની જિંદગીના ચારથી પાંચ વર્ષ દાવ પર લગાવી રહ્યા હોય ત્યારે આ બાબત ખૂબ મહત્ત્વની બની જાય છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, જેઓ BAMSમાં જોડાય છે, તેમાંથી ઘણા પાછળથી સરકારી નોકરીની તૈયારી કરે છે. બહુ ઓછા લોકો ખરેખર આયુર્વેદની પ્રેક્ટિસ કરવા માંગે છે. ગુજરાતમાં આયુષ કોલેજોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, વિદ્યાર્થીઓ MBBS, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી અથવા તો વિદેશના કોર્સ જેવા અન્ય માર્ગો વધુ પસંદ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગના વિદ્યાર્થીઓ BAMS અને BHMSને MBBS અથવા ડેન્ટલ પછીના બેક અપ વિકલ્પો તરીકે જુએ છે. મુખ્ય ચિંતા કારકિર્દીની છે. MBBS સ્નાતકોથી વિપરીત આયુર્વેદ અને હોમિયોપેથીના ડોકટરોને માન્યતા માટે સંઘર્ષ કરવો પડે છે અને નોકરીની તકો ઓછી હોય છે. જ્યાં સુધી ફીના માળખામાં યોગ્ય સુધારો નહીં કરવામાં આવે અને કરિયરના મજબૂત વિકલ્પો નહીં ઊભા કરવામાં આવે ત્યાં સુધી ઘણા વિદ્યાર્થીઓ આ કોર્સ પસંદ કરવાનું ટાળશે. આ બંને કોર્સમાં ખાલી બેઠકોની વધતી સંખ્યા સંખ્યા સરકારની નીતિ અને વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ વચ્ચેના વધતા અંતરને દર્શાવે છે.
આપણ વાંચો: ખેલૈયા આનંદો, સરકારે કરી આ મોટી જાહેરાત…