અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 3.50 લાખ દર્દીઓને કેમ અપાય છે અફીણની ગોળીઓ ?

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને અફીણની ગોળીઓ આપવામાં આવે છે. કેન્સરના દર્દીઓને પીડામાંથી રાહત મળે તે માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં અસહ્ય પીડાનો સામનો કરી રહેલા દર્દીઓને થોડો સમય રાહત મળે તેના માટે અફીણ પેઇનકિલરનું કામ કરે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદની સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લાંબા સમયથી મોર્ફિનની ગોળીઓ ઉપલબ્ધ છે, અને છેલ્લા દસ વર્ષથી તે નિયમિત રીતે દર્દીઓને આપવામાં આવે છે. મોર્ફિનની ગોળી ખાસ કરીને લાંબા ગાળાના રોગો, જેમ કે કેન્સર, કિડની, મગજ કે લીવરની ગંભીર બીમારીઓને કારણે થતા અસહ્ય દુઃખાવામાં આપવામાં આવે છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચવેલા ‘પેઇન સ્ટેપ લેડર’ના શરૂઆતના સ્ટેપની સામાન્ય દુઃખાવાની દવાઓ કામ કરતી નથી, ત્યારે ત્રીજા સ્ટેપ તરીકે મોર્ફિન (નાર્કોટિક્સ) નો ઉપયોગ થાય છે.
આ ડોઝની શરૂઆત 5 મિલિગ્રામ જેવા ઓછા ડોઝથી શરૂ કરીને દર્દીના દુઃખાવાની તીવ્રતાના આધારે વધારવામાં આવે છે. મોર્ફિનની મુખ્ય આડઅસરોમાં ઊબકા/ઉલ્ટી, ઘેન (સામાન્ય કરતાં વધુ ઊંઘ આવવી) અને કબજિયાતનો સમાવેશ થાય છે. ઊબકા/ઘેન જેવી અસરો ૨-૩ દિવસમાં નિયંત્રણમાં આવી જાય છે, પરંતુ કબજિયાત માટે ફરજિયાતપણે દવાઓ કે અન્ય લેક્સેટિવ્સ (જૂલાબ) આપવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે, નાર્કોટિક દવાઓના વપરાશ અને સંગ્રહ માટે સંસ્થા પાસે રિકોગ્નાઇઝ્ડ મેડિકલ ઈન્સ્ટિટ્યુશનનું સ્ટેટસ હોવું જરૂરી છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ કાયદા મુજબ, પેલિયેટિવ કેરની તાલીમ પામેલા ડૉક્ટર જ આ RMI માટે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર બની શકે છે.
કેટલો અપાય છે ડોઝ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીસીઆરઆઈમાં મોર્ફિન, મિથાડોન અને ફેંટાલિનનો ડોઝ ઉપલબ્ધ છે. મોર્ફિનની 10 મિલી ગ્રામ અને 30 મિલી ગ્રામની ગોળી તેમજ તાત્કાલિક દર્દમાં રાહત માટે મોર્ફિન ઈન્જેક્શન પણ આપવામાં આવે છે. મિથાડોનની ગોળી તેમજ સિરપ પણ ઉપલબ્ધ છે. તેમજ ફેંટાનિલના ત્રણ પ્રકારના ડોઝ ઉપલબ્ધ છે. જે એકવાર લીધા પછી 72 કલાક સુધી રાહત આપે છે.
આ પણ વાંચો…અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યા અદ્યતન મશીનો, કેન્સરના નિદાનના 10 રીપોર્ટ માત્ર 1 કલાકમાં મળશે…



